આજથી યાત્રાધામ અંબાજી મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું
Live TV
-
કોરોના અંગે સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસારની તકેદારીઓ સાથે અંબાજી મંદિરને ખુલ્લું મુકાયું
દેશભરમાં કોરોનાની બીજી લહેર અંતર્ગત વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં લઇ રાજ્યભરના યાત્રાધામોને દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. જેથી કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય. હાલ રાજ્યમાં કોરોના મહામારીના કેસો ઘટતા તાજેતરમાં જ રાજ્યના કેટલાક યાત્રાધામોને દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ત્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણા દિવસોથી બંધ રહેલા યાત્રાધામ અંબાજી મંદિરને આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
આ મંદિર ખુલ્લું મુકાયા પહેલા જ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત દર્શને આવતા ભક્તો ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી દર્શન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દર્શને આવતા તમામ ભક્તોના ટેમ્પરેચર ચેક કરી, સૅનેટાઇઝ કર્યા બાદ જ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગઈકાલે નાયબ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મંદિર ખાતે કરવામાં આવેલ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
