આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો જન્મદિવસ, ભદ્રકાળી મંદિરે માતાજીનાં કર્યા દર્શન
Live TV
-
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. પ્રદિપસિંહે જન્મદિવસના શુભાવસર પર લાલ દરવાજા સ્થિત ભદ્રકાળી મંદિરે નગરદેવી ભદ્રકાળી માતાજીનાં દર્શન કર્યા. પ્રદીપસિંહે ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજય સરકાર અને મંદિર ટ્રસ્ટ સાથે મળીને નિર્ણય લેશે. જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટીઓ સાથેની મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી તેનો નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું છે. રથયાત્રા પહેલા પરંપરાગત રીતે નીકળતી જળયાત્રા કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે યોજાશે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે તમામ લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે અને દર્શનનો લહાવો મળે. આ વર્ષે સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લેવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન સાથે ઓછી સંખ્યામાં લોકોને રાખી જળયાત્રા યોજવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જળયાત્રા નિયત પ્રોટોકોલ મુજબ યોજાશે અને રથયાત્રાનો નિર્ણય કોરોનાની સ્થિતિની સમિક્ષા કર્યા બાદ લેવાશે. ગઈ કાલે મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતાં કહ્યું હતું કે રથયાત્રા માટે યોગ્ય સમયે નિર્ણય લઈશું. ભગવાન જગન્નાથજી આપણા માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ગયા વર્ષે આપણે મહામારીને કારણે રથયાત્રા કાઢી શક્યા નથી. આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહિ એ કહેવું હાલ વહેલું છે. આપણે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે કે મહામારીમાંથી જલદી મુક્તિ મળે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે આજે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવે છે. આજે પૂજન બાદ ત્રણ- ચાર દિવસમાં રથનું સમારકામ અને રંગરોગાન શરૂ કરવામાં આવશે. 24મી જૂનના રોજ જળયાત્રા યોજવા અંગે હજી નિર્ણય લીધો નથી. જોકે રથયાત્રા અંગે એમ પણ જણાવ્યું હતું કે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે.
