આણંદ:શહેર પોલીસે ગણેશ ચોકડી પાસેથી કુખ્યાત ચીખલીગર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપ્યા
Live TV
-
આણંદ શહેર પોલીસે ગણેશ ચોકડી પાસેથી કુખ્યાત ચીખલીગર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી આણંદ અને નડિયાદના છ જેટલા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી નાંખ્યા છે.સાથે જ આરોપીઓ પાસેથી રૂપિયા 6.91 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી કે ચીખલીગર ગેંગના ત્રણ શખ્શો એક બાઈક પર સવાર થઈને ચિખોદરા ચોકડીથી ગણેશ ચોકડી થઈને બોરસદ ચોકડી તરફ જનાર છે.જેને લઇને પોલીસે ગણેશ ચોકડી પર વોચ ગોઠવી દીધી હતી અને બાઇક પર આવેલા ત્રણ શખ્શોને શંકાના આધારે અટકાવી તપાસ કરતા તેમની પાસેથી ચાંદીની લગડી, ચાંદીના સિક્કા, રોકડા તેમજ ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા.પોલીસે વધુ પૂછપરછ કરતા ત્રણેય શખ્સોએ પોતાના નામ શેરસિગ ઉર્ફે શેરુ કાલુંસીંગ, અજયસિંગ ઉર્ફે ઇલ્લા પંચમસિંહ સરદાર અને અજિતસિંગ સોનસીગ સરદાર હોવાનું જણાવ્યું હતું.આરોપીઓએ છેલ્લા ચાર મહિનામાં નડિયાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ ચાર જેટલા બંધ મકાનમાંથી ચોરી કરી હતી.આ ઉપરાંત છેલ્લા અઠવાડિયામાં આણંદ શહેરમાં પણ બે દુકાનોના શટરો તોડીને ચોરી કર્યાની કબુલાત કરી હતી જેથી પોલીસે આ આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
