આદિજાતિ વિસ્તારના કપરાડા-ધરમપુર માટે ઉદવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રીની મંજૂરી
Live TV
-
ગુજરાતના વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની સરહદે આવેલા અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ધરમપુર અને કપરાડા તાલુકાના વનબંધુઓને સિંચાઇ અને પીવાના પાણી માટેની બહુહેતુક 797 કરોડ રૂપિયાની લિફ્ટ ઇરીગેશન ઉદવહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વનબંધુ વિસ્તારોમાં ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિજાતિ લોકો વધુ ખેતી પાક લઇ આર્થિક સમુદ્ધિ તરફ વળે તેમજ પીવાના પાણીની પણ અછત દૂર કરવા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ આ વિસ્તારમાં પડતો હોવા છતાં, ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે આ વિસ્તારમાં કોઇ જળસંગ્રહ સંશાધનો નથી. ભૌગોલિક કારણોસર હજુ પણ પિયત સુવિધાથી આ વિસ્તારો વંચિત છે અને ઉનાળામાં પીવાના પાણીની પણ અછત વર્તાય છે. આ બંને તાલુકાઓ ડુંગરાળ હોવાથી નહેરનું પાણી ત્યાં પહોચાડવું શક્ય નથી તેમજ દમણગંગા જળાશયની નહેર પણ ત્યાંના નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થાય છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આવી વિપરીત સ્થિતિમાંથી ધરમપુર - કપરાડાના વનબંધુઓને બહાર લાવી તેમને પીવાના અને સિંચાઇના પાણીની સુવિધા આપવા દમણગંગા જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરીને જમણા કાંઠા મેઇન કેનાલમાં નાખી કેનાલ ડિસ્ચાર્જ વધારીને ધરમપુર-કપરાડાનાને પાણી આપવાની સૂચિત કાર્ય યોજના માટે ઇન પ્રિન્સિપલ પરમિશન આપી છે. આ લિફ્ટ ઇરીગેશન-ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત કુલ 163 કિ.મી. લાંબા પાઇપ લાઇન નેટવર્કથી દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકાના 24 ગામોની આશરે 19 હજાર એકર જમીનને તથા ધરમપુરના 13 ગામોની અંદાજે 13,450 એકર જમીનને સિંચાઇ સુવિધા મળતી થશે.
ઉપરાંત આ લિફ્ટ ઇરીગેશન યોજનાની સંભવિત પથરેખામાં વલસાડ જિલ્લાની ત્રણ મોટી નદીઓ કોલક, પાર અને તાન નદી ક્રોસ કરવાની થશે. આ નદીઓ પર અંદાજે નવ મોટા ચેકડેમ અને તેની પ્રશાખાઓ પર આશરે સાત નાના ચેકડેમ મળી કુલ 16 ચેકડેમમાં પાઇપલાઇનથી પાણી ભરવામાં આવશે.
જેના પરિણામે આ નદીઓ પૂર્ન:જીવિત થવાથી 1730 એકર જમીનને આ ચેકડેમથી સિંચાઇનો લાભ પણ મળતો થશે. સમગ્રયતા આ ઉદવહન સિંચાઇ યોજના થકી કપરાડા-ધરમપુરના મળીને 37 થી વધુ ગામોની 34,180 એકર જમીનને સિંચાઇ સવલતો અને હજારો વનબંધુ ગ્રામિણ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી મળતું થશે.
