ઊર્જા વિભાગની પાંચ વીજ કંપનીઓમાં ૨૬૦૦થી વધુ ઉમેદવારોની નિમણૂક કરાઈ
Live TV
-
ઊર્જા વિભાગની પાંચ વીજ કંપનીઓમાં ૨૬૦૦થી વધુ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે.ઊર્જા મંત્રી સૌરભપટેલે જણાવ્યું છે કે, વિદ્યુત સહાયક જુનીયર આસિસટન્ટ અને વિદ્યુત સહાયક જુનીયર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સરકાર દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને વિવિધ વિભાગોમાં ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યના શિક્ષિત યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી આપવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. જેના ભાગરૂપે ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં ૨૬૦૦થી વધુ યુવાઓને વિદ્યુત સહાયક જુનીયર આસિસટન્ટ અને વિદ્યૃત સહાયક જૂનિયર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
યુવાઓને ઘર આંગણે જ રોજગારી મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને વિવિધ વિભાગોમાં ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ અને જીસેકમાં આ નિમણૂકો આપવામાં આવી છે. રાજ્યની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ડિસેમ્બર-૨૦૨૦ અને જાન્યુઆરી-૨૦૨૧માં ઓન લાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનું પરિણામ તા. ૦૯/૦૩/૨૦૨૧ના રોજ જાહેર કરવામાં આવ્યું હતુ જેના આધારે આ નિમણૂકો આપવામાં આવી છે.
વિદ્યુત સહાયક જુનીયર આસિસ્ટંટની જગ્યા પર ડીજીવીસીએલમાં ૬૯૧, યુજીવીસીએલમાં ૫૨૭, પીજીવીસીએલમાં ૮૩૯, એમજીવીસીએલમાં ૨૪૦ અને જીસેકમાં ૬૮ મળી કુલ ૨૩૬૫ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે. એ જ રીતે વિદ્યુત સહાયક જુનીયર ઈજનેરની જગ્યા પર ડીજીવીસીએલમાં ૧૩૧, યુજીવીસીએલમાં ૩૭, અને જીસેકમાં ૧૦૭ મળી કુલ ૨૭૫ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે.
