કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને રાજ્ય સરકારનો એક્શન પ્લાન જાહેર
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તો રાજ્ય સરકાર સંપૂર્ણ એક્શન પ્લાન સાથે સજજ છે. બીજી લહેરમાં ઘણા પડકારોનો સામનો તેમજ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. હવે તબીબી તજજ્ઞો કહી રહ્યા છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે ત્યારે આ ધારણાને જોતા રાજયએ સારવાર માટેનું સંપૂણ આયોજન કર્યું છે.
આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવે તો રાજ્ય સરકાર સક્ષમ છે. કોરોનાની ત્રીજી લહેર કેટલી વ્યાપક હશે તેનું કોઇ વૈજ્ઞાનિક તારણ નથી. પ્રથમ તથા બીજી લહેરનો કોર ગ્રુપે અભ્યાસ કર્યો છે અને તેના તારણના આધારે સમગ્ર તૈયારીઓ કરવામાં આવી છે. તે અંતર્ગત પેન્ડેમિક ઇન્ટેલિજન્સ યૂનિટ બનાવવામાં આવશે તેમજ ચાર હજાર વિશેષ તબીબો, 10 હજાર જેટલા MBBS ડોક્ટર્સ અને ઇન્ટર્ન સેવામાં રહેશે અને મેડિકલ અને પેરા મેડિકલની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. દર્દીનું જીવન સુરક્ષિત રહે અને મેડિકલ ઓક્સિજનનો અભાવ ન રહે તે માટે સરકાર સજ્જ છે. 2 કરોડથી વધુ નાગરિકોનું રસીકરણ પૂર્ણ થયું છે અને આવનારા સમયમાં રોજના 4થી 5 લાખ નાગરિકોને રસી આપવાનું આયોજન છે.
સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ અંગે વધુ વિગતો આપતા આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા 1 લાખ ઓક્સિજન બેડ કરવાનું આયોજન છે જે પહેલા 61000 હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો દૈનિક 25,000થી વધુ કેસ આવે તો પણ બધાને યોગ્ય સારવાર પ્રાપ્ત થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
