ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના અંતિમ દિને 4 સરકારી વિધેયક વિસ્તૃત ચર્ચા બાદ પસાર કરાયા
Live TV
-
ગુજરાત વિધાનસભાના પાંચ દિવસના ટૂંકા સત્રનો આજે અંતિમ દિવસ છે. પાંચમાં દિવસે ગૃહમાં રાજ્ય સરકાર દ્વારા ચાર સરકારી વિધેયક વિસ્તૃત ચર્ચા બાદ પસાર કરાયા હતા. ગૃહમાં આજે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના 2017-18 તથા 2018-19ના કેટલાક ક્ષેત્રોમાં ઓડિટ અહેવાલો પણ રજૂ થયા હતા. વર્ષ 2018-19માં રૂપિયા 3,212 કરોડની મહેસૂલી પુરાંત હોવાની વાત સામે આવી છે. ગુજરાતના મહેસૂલી પુરાંતમાં રૂપિયા 2,020 કરોડનો ઘટાડો થયો છે. રાજ્યની કર આવકમાં રૂપિયા 8,553.33 કરોડનો વધારો થયો છે. જ્યારે બિન કર આવકમાં રૂપિયા 1,656.98 કરોડનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત વિધાનસભામાં ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક 2020 પણ ગૃહમાં સર્વ સંમતિથી પસાર કરાયું હતું. ત્યારબાદ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન સુધારા વિધેયક 2020 રજૂ કરાયું હતું. દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત કોંગ્રેસના અન્ય સભ્યો બાબુ વાજા તથા સુખ રામ રાઠવાએ બિલની જોગવાઇ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તો ભાજપના ધારાસભ્યો રમણભાઇ પટેલ, વલ્લભભાઇ પટેલ વગેરેએ બિલનું સમર્થન કર્યું હતું.અને અંતે આ સુધારા વિધેયક ગૃહમાં બહુમતિથી પસાર થયું હતું.