ગુજરાત સરકારે તાઉ'તે વાવાઝોડાથી કૃષિ પાકોને થયેલા નુકસાન માટે 500 કરોડ રૂપિયાના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી
Live TV
-
રાજ્ય સરકારે તાઉ'તે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બાગાયતી તથા ઉનાળુ પાકોને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને 500 કરોડ રૂપિયાના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નવસારી, સુરત, વલસાડ અને ભરૂચ જિલ્લાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. રૂપાણીએ કહ્યું હતું કે, કૃષિ સહાય પેકેજમાં આંબા, નાળીયેરી જેવા ફળાઉ વૃક્ષ કે ઝાડ મૂળ સહિત ઉખડીને નાશ પામવાના કિસ્સામાં હેક્ટર દીઠ એક લાખ રૂપિયાની સહાય અપાશે. જો ફળાઉ વૃક્ષ કે ઝાડ બચી ગયા હોય પણ પાક ખરી પડ્યો હોય અને 33 ટકાથી વધુ નુકસાન થયું હોય, તો તે માટે પ્રતિ હેક્ટરે 30 હજાર રૂપિયાની સહાય અપાશે. ઉનાળુ કૃષિ પાકોમાં 33 ટકા કરતા વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને 20 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય અપાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને મળવાપાત્ર કૃષિ સહાય રાહત એક અઠવાડિયામાં ખેડૂતના બેંક ખાતામાં જમા કરી દેવાશે. એવી જ રીતે નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ કરાશે.
