Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સ્થાપના દિવસ: સૌરાષ્ટ્રમાં 4415 ગામ-શહેરો હતા

Live TV

X
  • સૌરાષ્ટ્રમાં એ વખતે 4415 ગામ-શહેરો હતા. તેની જમીન પર 222 રાજાઓ અને 51700 ગરાસદારોનો કબજો હતો.

    સૌરાષ્ટ્રમાં એ વખતે 4415 ગામ-શહેરો હતા. તેની જમીન પર 222 રાજાઓ અને 51700 ગરાસદારોનો કબજો હતો. આ રાજ્યો જ્યારે સૌરાષ્ટ્ર સ્ટેટમાં વિલીન થયા ત્યારે તેમની જમીન સૌરાષ્ટ્ર રાજ્યને મળી. પણ 51700 ગરાસદારોની જમીન ન મળી. આમ સૌરાષ્ટ્રની ત્રીજાભાગની જમીન ગરાસદારો પાસે હતી. મુખ્યમંત્રી ઢેબરભાઇની ઇચ્છા એ હતી કે જે જમીન ખેડતા હોય તેને જ તેનો હક મળવો જોઇએ. ગરાસદારોને સમજાવીને ગણોત પ્રવૃત્તિ નાબૂદ કરી. આમ સાચા અર્થમાં ખેડૂતોને ખેડવાનો અધિકાર મળ્યો.

    સૌરાષ્ટ્ર સ્ટેટની સૌથી મોટી ઉપલબ્ધી

    સૌરાષ્ટ્ર સ્ટેટની આ પહેલ બાદમાં અન્ય રાજ્યોમાં પણ અપનાવવામાં આવી. જવાહરલાલ નેહરુએ પણ સૌરાષ્ટ્રની આ સિદ્ધિને બિરદાવી હતી. 1951માં ત્રણ ધારાઓ ઘડાયા 
    1. સૌરાષ્ટ્ર જમીન સુધારણા ધારો 
    2. સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી અને 
    3. સૌરાષ્ટ્ર જાગીર પ્રાપ્તિધારો. 
    તેનાથી એકપણ ગણોતિયો ભૂમિહીન થયો નહીં.

    સૌપ્રથમ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડના વિચારે જન્મ લીધો હતો

     

    સ્વરાજ પહેલાં કાઠિયાવાડ નામે ઓળખાતો પ્રદેશ અંદાજે 25 હજાર ચોરસ માઇલના વિસ્તારમાં પથરાયેલો હતો. તે સમયે તેની જનસંખ્યા 40 લાખ આસપાસની હતી. ત્યાં 222 જેટલા દેશી રજવાડા હતા. તેમાં બે ચોરસ માઇલથી ઓછો વિસ્તાર ધરાવતા રાજ્યો પણ હતા. એક સ્ટેટ તો 206 માણસની જ વસ્તી ધરાવતું હતું.

    જે મોટા રાજ્યો હતા તેની સરહદો પણ એક ભૌગોલિક એકમ જેવી ન હતી. જામનગર રાજ્ય 9 ટુકડામાં, ગોંડલ 18 અને  જૂનાગઢ 26 ટુકડાઓમાં વહેંચાયેલું હતું.  ભારત આઝાદ થયા પછી સરદાર પટેલ અને ગાંધીજી એક અલગ સૌરાષ્ટ્ર સ્ટેટ બને તેવું ઇચ્છતા હતા.

    ભાવનગરના મહારાજા અને જામનગરના જામસાહેબ સૌરાષ્ટ્રનું એક જ એકમ બને તે માટે રાજી થયા અને યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ બને તે માટે સંમતિ સધાઇ. 15 ફેબ્રુઆરી, 1948ના રોજ આ એકીકરણ માટેના દસ્તાવેજો થયા. 15 ફેબ્રુઆરીના રોજ સરદાર પટેલે જામનગરના દિગ્વિજયસિંહજીને રાજપ્રમુખ અને ઢેબરભાઇને મુખ્યમંત્રી તરીકે ઘોષિત કર્યા. 15મી એપ્રિલ 1948ના રોજ વિધિવત સૌરાષ્ટ્ર રાજ્ય સ્થપાયું. ત્યારબાદ સૌરાષ્ટ્ર પણ ગુજરાત સ્ટેટનો જ હિસ્સો બની ગયું. કેવું હતું સૌરાષ્ટ્ર સ્ટેટ તેને આજે યાદ કરીએ.

    આ હતા સૌરાષ્ટ્ર સ્ટેટના 5 જિલ્લા

    સૌરાષ્ટ્ર રાજ્યના પાંચ જિલ્લાઓમાં તે વખતે રાજકોટ જિલ્લાને મધ્ય સૌરાષ્ટ્ર તરીકે, ભાવનગરને ગોહિલવાડ તરીકે, જૂનાગઢ જિલ્લાને સોરઠ તરીકે, જામનગર જિલ્લાને હાલાર તરીકે અને સુરેન્દ્રનગર જિલ્લાને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવતા હતા. લોકબોલચાલમાં આજે પણ આ જિલ્લાઓ આ પ્રમાણે પ્રચલિત છે.

    પ્રથમ પંચવર્ષીય યોજના માત્ર 21 કરોડની હતી

    નવું સૌરાષ્ટ્ર સ્ટેટ અસ્તિત્વમાં આવ્યું ત્યારે લોકોનો મુખ્ય વ્યવસાય માત્ર ખેતીનો જ હતો. નવા સ્ટેટમાં ખેતીના વિકાસ સાથે ઔદ્યોગિક વિકાસનો પણ વિચાર કરવો પડે તેમ હતો. સૌરાષ્ટ્રની પ્રથમ પંચવર્ષીય યોજના માત્ર રૂ.21 કરોડની હતી. સૌરાષ્ટ્રની સાહસિક પ્રજાની મહેનતથી ઔદ્યોગિક વિકાસ નાણાકીય જોગવાઇ કરતા બે ગણો થયો અને જોતજોતામાં સૌરાષ્ટ્ર સિમેન્ટ, મીઠું અને રસાયણનું અગ્રણ્ય ઉત્પાદક થઇ ગયું.

     

    અન્ય ક્ષેત્રોમાં પણ નાણાંની જોગવાઇ કરતા વધારે કામ થયું. પ્રથમ માણાવદર, વંથલી, કેશોદ અને ત્યારબાદ સૌરાષ્ટ્રના તમામ 52 તાલુકાઓમાં કેન્દ્ર સરકારની આર્થિક સહાય વિના વિકાસ ઘટકો શરૂ કર્યા. તેનાથી આખા પ્રદેશમાં આર્થિક અને સામાજિક ક્રાંતિ શરૂ થઇ. 

    મુખ્યમંત્રી નિવાસ - સૌરાષ્ટ્ર સ્ટેટના મુખ્યમંત્રી અહીં એકમાત્ર સેવક સાથે રહેતા હતા
     
    રાજકોટ શહેરના આંખના ડોક્ટર કેશુભાઇના જૂના સેનેટોરિયમ નામના સાદા બે ઓરડા, ઓશરીના મકાનમાં ઢેબરભાઇએ પોતાનો નિવાસ ગોઠવ્યો અને આ મુખ્યમંત્રી નિવાસમાં દુદાજી નામના એક સંનિષ્ઠ વંચિતવર્ગના યુવકે તેમની સંભાળ લેવાનું શરૂ કર્યું. મુખ્યમંત્રી તેમના પ્રવાસમાં બપોરનું ભોજન ખેડૂતની વાડીમાં તેમના ઢોલિયા-વાણ ભરેલા ખાટલા પર કરતા.

    જ્યારે ઢેબરભાઇએ ધ્રોળ અને લીંબડીના રાજવી સામે હાથ જોડી સમાધાનની ભિક્ષા માગી

    એક પ્રસંગ એવો પણ આવ્યો કે જ્યારે વિધાનસભાએ નીમેલી સંયુક્ત સમિતિમાં ગરાસદારો અને ખેડૂતોના પ્રતિનિધિઓ વચ્ચે થયેલા વિવાદને લીધે ધ્રોળ ઠાકોર અને લીંબડીના કુમાર ફતેસિંહ સભાત્યાગ કરી ગયા.

    કવિ દુલા કાગની પ્રેરણાથી હુંપદ છોડીને ગૌરવવંત ઢેબર તેમની પાછળ ગયા અને મોટરગાડીની આગળની ખાસ મોટી બેઠકમાં બેઠેલા ધ્રોળ ઠાકોર અને પાછળની બેઠકમાં બિરાજમાન ફતેસિંહને ચર્ચા માટે પાછા ફરવા સમજાવતાં સામાજિક હિતના રક્ષણાર્થે અને ગરાસદાર ઉભયના કલ્યાણ અર્થે સૌરાષ્ટ્રના અયાચી મુખ્યમંત્રીએ ક્ષત્રિયો સામે હાથ ધરી સમાધાનની ભિક્ષા માગી.

    બંને રાજપુરુષોએ ક્ષાત્રવટ દાખવી, બેઠકમાં પાછા ફરી, સમિતિની ચર્ચાઓમાં સક્રિય રસ લઇ સર્વપક્ષીય કલ્યાણનું સમાધાન ઘડવા ઢેબરભાઇને દિલભર્યો સહકાર આપ્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
apply