ટીકર ગામે લીધો સામૂહિક નિર્ણયઃ ગામના તમામ બાળકો સરકારી શાળામાં જ ભણશે
Live TV
-
નાના એવા ટીકર ગામે મોટી શરૂઆત કરતા પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવાનો નિર્ણય કર્યો છે.
આજકાલ વાલીઓમાં પોતાના બાળકોને ખાનગી સ્કૂલોમાં ભણાવવાનો મોહ વધતો જાય છે, એવામાં સ્કૂલના સંચાલકો મનફાવે તેવી ફી વાલીઓ પાસેથી વસૂલી રહ્યા છે. એવામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામે એક અનોખી પહેલ કરી છે.
નાના એવા ટીકર ગામે મોટી શરૂઆત કરતા પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવાનો નિર્ણય કર્યો છે. આ ગામની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનું પરિણામ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ કરતાં ઉંચુ આવતા અને સરકારી શાળાઓના શિક્ષકોની સતત વાલીઓ સાથેના સંપર્ક બાદ ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે.
ગ્રામજનો અને તમામ વાલીઓએ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં જ ભણાવવા અને સરકારી શાળાઓને સક્ષમ બનાવવી તેમજ બાળકોને પોતાના જ ગામમાં સારું શિક્ષણ મળે તેવા ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લીધો છે.
વારંવારના ખાનગી સ્કૂલોના ફી વધારા, બસ સહિતના બીજા અનેક વધારાની ઉઘરાણી અને પૈસાના ખર્ચ સામે વાલીઓને આ નિર્ણયના કારણે રાહત મળશે. ટીકર ગામની જ સરકારી સ્કૂલને ખાનગી સ્કૂલ સામે ટકકર લે તેવી બનાવવા સરકારી સ્કૂલના શિક્ષકગણ, વાલીમંડળના સામૂહિક નિર્ણય સાથે નવી ટર્મથી ગામના દરેક બાળકો સરકારી શાળામાં જ અભ્યાસ કરશે તેવો ગ્રામજનોએ સામૂહિક નિર્ણય કર્યો છે, તેવું શિક્ષક સતીષભાઈએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ટીકર ગામની સરકારી સ્કૂલમાં ડિઝિટલ ડેસ્કબોર્ડ, ૧૬ રૂમ, ૧૪ શિક્ષકો અને હાલ કુલ ૪૯૦ જેટલા વિદ્યાર્થીઓ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને હવે નવી ટર્મથી ખાનગીશાળામાં અભ્યાસ કરતા ૧૨૫ જેટલા બાળકો પણ હવે ગામની જ સરકારી શાળામાં અભ્યાસ કરશે.