ચાંદીપુરા વાયરસનો કહેર, CMએ તમામ મ્યુ.કમિશનર, જિ.કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે યોજી બેઠક
Live TV
-
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જે રીતે દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર સહિત આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. આ સંવાદમાં સંબંધિત લોકોને મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં વાયરસ અટકાવવા માટે મેલેથીયન પાવડરથી ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા સૂચના આપી હતી. CMએ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય તે અંગેની સૂચના આપી હતી.
આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા. આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશા વર્કર બહેનો આંગણવાડી કાર્યકર બહેનો નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલની રોગતાળા અને વરસાદની સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખી રીવ્યુ કરવામાં આવ્યો છે. 29 સસ્પેક્ટેડ ચાંદીપુરાના કેસ જોવા મળ્યા છે જેમાં 15 ના મોત થયા છે. મોટાભાગે 4 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકોમાં આ પ્રમાણ જોવા મળ્યું છે. 7 માંથી 1 જ કન્ફર્મ ચાંદીપુરા વાયરસનો કેસ જોવા મળ્યો છે. રેતની માખી જ્યાં એનું ઘર બની રહે ત્યાં દવાનો છંટકાવ કરવા સૂચના અપાઈ છે.
ચાંદીપુરા વાયરસથી ડરવાની જરૂર નથી આ ચેપી રોગ નથી પરંતુ પ્રિકોશન રાખવાની ખૂબ જરૂરી છે. આરોગ્ય વિભાગે એડવાઈઝરી પણ જાહેર કરી છે. બાળકને તાવ આવે તો તરત જ PHC કે CHC અથવા શક્ય હોય તો નજીકની મોટી હોસ્પિટલમાં તાત્કાલિક સંપર્ક કરી સારવાર કરાવવી જરૂર છે. જો સારવાર માટે લાંબો સમય લાગી જાય તો મૃત્યુઆંક વધે છે.
હજુ પણ રાજ્યના તબીબો સાથે, આરોગ્ય વિભાગની ટીમ સાથે આ રોગમાં લાઈન ઓફ ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ શકે ? એ બાબતની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરીશું. આ રોગને કાબુમાં લાવી શકાય એમ છે જેથી લોકો પાણી ભરાયા હોય ત્યાં દવાનો છંટકાવ કરે, મચ્છરદાનીનો ઉપયોગ કરે. ઈમ્યુનિટી ઓછી હોય એવા લોકોને આ રોગ થાય છે.