ચાંદીપુરા વાયરસને લઈને મહીસાગર જિલ્લો સતર્ક, રોગને ફેલાતો અટકાવવા જારી કર્યો હેલ્પલાઇન નંબર
Live TV
-
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લા તંત્રએ હેલ્પ લાઇન નંબર 99257 85955 જાહેર કર્યો છે.
મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગનો ફેલાવો અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓમાં તેમજ જીલ્લામાં કાચા મકાનોની સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. તેમજ હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુ:ખાવો, અને ખેંચ આવવી એવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું છે. જિલ્લામાં કોઈને પણ બાળકને આવા લક્ષણ દેખાય તો હેલ્પ લાઇન નંબર 99257 85955 પર જાણ કરવા અધિકારીઓએ જણાવ્યું છે.
તાજેતરમાં ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા હોય એવા કેસો જોવા મળેલા છે. જેમાં મહીસાગર જિલ્લામાં પણ શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા એક બાળકનું અવસાન થયેલું છે, જે હજુ કન્ફર્મ હોવાનો રિપોર્ટ આવેલો નથી. પરંતુ આગમચેતી અને સાવચેતીના પગલાં તરીકે સમગ્ર મહીસાગર જિલ્લામાં આરોગ્યની ટીમ દ્વારા અસરકારક કાર્યવાહી ડસ્ટિંગ ઉપરાંત જિલ્લામાં કાચા મકાનોમાં તિરાડો પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ રોગમાં મુખ્ય લક્ષણોમાં 14 વર્ષ સુધીના બાળકોને હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એવા લક્ષણો જોવા મળતા હોય છે તો જો કોઈ આવા લક્ષણોવાળા બાળકો મળે તો તાત્કાલિક એ બાળકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે જિલ્લા તમામ નાગરિકોને મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલેએ અપીલ કરી છે.
જિલ્લાના તમામ આંગણવાડી કાર્યકરો પોતાના વિસ્તારમાં તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકોને શોધીને આરોગ્ય તપાસ માટે મોકલે છે. સાથેસાથે પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ વિદ્યાર્થીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાય તો ડિસ્ટ્રિક્ટ હેલ્પ લાઇન નંબર 99257 85955 પર બાળકોની વિગત મોકલે છે. જેથી આવા બાળકોને જિલ્લા તંત્ર ટ્રેસ કરીને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધી પહોંચાડીને સંવેદનશીલતા સાથે કામગીરી કરી તેની વધુ સારી રીતે આરોગ્ય તપાસ થાય જરૂરી રિપોર્ટ પણ થઈ જાય અને તેમના આરોગ્યની સારી કાળજી લઈ શકાય.