ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં માથું ઊંચક્યું, 14 જિલ્લામાં 33 શંકાસ્પદ કેસ નોંધાતા હાહાકાર
Live TV
-
ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી 14 જિલ્લામાં 33 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી 16 બાળકોના મૃત્યુ નીપજ્યા છે.
ગુજરાતમાં લગભગ એક દશક બાદ ચાંદીપુરા વાયરસે ફરી માથું ઊંચક્યું છે. હાલ રાજ્યમાં કુલ 14 જીલ્લામાં 33 શંકાસ્પદ કેસ નોંધાઈ ચુક્યા છે, જેમાં 16 બાળકોના મૃત્યુ નીપજ્યા છે. આ વાયરસના 7 સેમ્પલનું પરિક્ષણઆવ્યું છે, જેમાં 6 નેગેટીવ અને રાજ્યમાં માત્ર એક જ ચાંદીપુરા વાયરસનો પોઝીટીવ કેસ મળી આવ્યો છે. જો જીલ્લા મુજબ જોવા જઈએ તો સૌથી વધુ સાબરકાંઠામાં 7, અરવલ્લીમાં 4, ગાંધીનગર અને મોરબીમાં 3, મહેસાણા-રાજકોટ-પંચમહાલ-જામનગરમાં 2 કેસ તો મહીસાગર-સુરેન્દ્રનગર- ખેડામાં એક શંકાસ્પદ કેસ નોંધાયો છે.
આ ઉપરાંત, વાયરસ અંગે તમામ જરૂરી માહિતી તેમજ પ્રાથમિક તારણ અને નિદાન માટે રાજ્ય સરકાર દ્વારા 104 નંબરની હેલ્પલાઇન સેવા શરુ કરવામાં આવી છે. સાથે જ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ આ વાયરસ અંગે વિદ્યાર્થીઓને શાળા દ્વારા માહિતી આપવામાં આવી છે. અત્યાર સુધી આ વાયરસના પરિક્ષણ માટે સેમ્પલ પુના મોકલવામાં આવતા હતા. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં આવેલ 'ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર'માં જ નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવશે. જેથી પરિણામ ઝડપથી મેળવી શકાય.
18 જુલાઈન રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજીત આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી.. મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.