જામનગર: દિવ્યાંગજન માટે સામાજિક અધિકારિતા શિબિરનો આરંભ કરાયો
Live TV
-
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય અને દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા સામાજિક અધિકારીતા શિબિરનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જામનગર ખાતેથી તેમજ સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી ડૉ. થાવરચંદ ગેહલોત વર્ચ્યૂઅલ માધ્યમ દ્વારા જોડાયા હતા.
ગુજરાતના જામનગરમાં આજે આ સામાજિક અધિકારિતા શિબિરમાં કોવિડ-19 મહામારી માટે નિયમોનું પાલન કરીને બ્લોક/પંચાયત સ્તરે 3805 દિવ્યાંગજનોને 3.57 કરોડ રૂપિયાની કિંમતના કુલ 6,225 સહાયક અને સહાયતા ઉપકરણ નિઃશુલ્ક વિતરિત કરવામાં આવ્યા હતા. સામાજિક ન્યાય તેમજ અધિકારિતા મંત્રાલય, ભારત સરકારની એડીઆઈપી યોજના અંતર્ગત દિવ્યાંગજનોને સહાયક અને સહાયતા ઉપકરણોના વિતરણ માટે આ શિબિર દિવ્યાંગજન સશક્તીકરણ વિભાગ દ્વારા એલિમ્કો અને જિલ્લા તંત્રના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ગુજરાતના ગ્રામીણ વિકાસ, મત્સ્ય અને પરિવહન મંત્રી આર. સી. ફળદુ, રાજ્યના સામાજિક ન્યાય તેમજ અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર, ખાદ્ય અને નાગરિક પુરવઠા, ગ્રાહક મામલાઓ અને કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગરના સાંસદ પૂનમ માડમ, નવસારીના સાંસદ સી. આર. પાટિલની સાથે સાથે ડી.ઈ.પી.ડબલ્યુ.ડી. એલિમ્કો અને જિલ્લા તંજ્ઞના વરિષ્ઠ અધિકારીઓ સહિતના આગેવાનો પણ જોડાયા હતા.
