ડીપીઇઓના ભ્રષ્ટાચારના આક્ષપોના પગલે ડીડીઓએ કરી તપાસ અધિકારીની નિમણુક
Live TV
-
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા હાઇકોર્ટના આદેશનો અનાદર કરીને પેન્શનરો છેલ્લા બે વર્ષથી 10% તફાવતના નાણાં ચુકવવામાં આવ્યા નથી
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા હાઇકોર્ટના આદેશનો અનાદર કરીને પેન્શનરો છેલ્લા બે વર્ષથી 10% તફાવતના નાણાં ચુકવવામાં આવ્યા નથી. તેઓના મનસ્વી વર્તનથી ત્રાસલા નિવૃત શિક્ષકો દ્વારા જિલ્લા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યો હતો. ડીપીઇઓના ભ્રષ્ટાચારના આક્ષપો સાથે વયોવૃદ્ધ પેન્શનરોએ હલ્લાબોલ કરતાં ડીડીઓએ નિવૃત્ત શિક્ષકોને હૈયાધારણા આપતા આ અંગે શિક્ષણ વિભાગ સિવાયના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જિગ્નેશ જાદવને નિષ્પક્ષ તપાસ સોંપી છે તેનો રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
નિવૃત્ત શિક્ષકોએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા પેન્શનરોને સારો લાભ આપી નાણાંની ફાળવણી કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં તેનો અમલ પણ થાય છે પણ મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી માત્ર ભ્રષ્ટાચાર આચરવા માટે માટે હાઇકોર્ટના આદેશ બાદ મળનાર 10 ટકા વ્યાજના નાણાં છેલ્લા બે વર્ષથી રોકી રાખ્યા છે, જૂથવીમાના નાણાં, જીલ્લામાં બદલી કેમ્પ વગર ગેરકાયદેસર બદલીઓ ઉપરાંત ભ્રષ્ટાચાર આચરવા માટે મહીસાગર જિલ્લા શિક્ષક સંઘની ચૂંટણીઓમાં અયોગ્ય રીતે મદદગારી જેવા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે જે નિવૃત્ત શિક્ષકોએ નાણાંની લેવડ-દેવડ કરી હોય તે ફાઇલોનો નિકાલ કરવામાં આવેલ છે અને જેમણે નાણાંની લેવડ-દેવડ કરી ન હોય તેમની ફાઇલ ટલ્લે ચઢાવી દેવામાં છે.
આ ધરણામાં જિલ્લાભરમાંથી આવેલા નિવૃત કર્મચારી મંડળના આગેવાનોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક થઇ લડી લેવાની નેમ વ્યક્ત કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ રજૂઆત કરવા પહોંચેલા આગેવાનોએ આ ભ્રષ્ટ અધિકારીની અને તેના મળતીયાઓની રીતરસમ અંગે રજુઆત કરતાં ડીડીઓએ આ વયોવૃદ્ધ નિવૃત્ત શિક્ષકોને હૈયાધારણા આપતા. આ અંગે શિક્ષણ વિભાગ સિવાયના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જિગ્નેશ જાદવને નિષ્પક્ષ તપાસ સોંપી છે તેનો રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
