તાઉ’તે વાવાઝોડા પ્રભાવિત જિલ્લામાં ઇન્ટ્રા સર્કલ રોમીંગ સુવિધા 24 મે સુધી રહેશે કાર્યરત
Live TV
-
તાઉ’તે પ્રભાવિત બે જિલ્લા જુનાગઢ આને બોટાદમાં મોબાઇલ ફોન નેટવર્ક પૂર્વવત થયું, ત્યારે બાકીના ત્રણ જિલ્લા અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં 25 મી મે સુધીમાં મોબાઇલ ફોન નેટવર્ક થશે પૂર્વવત
ગુજરાત પર તાજેતરમાં જ આવેલા તાઉ’તે વાવાઝોડાને પરિણામે ખાસ કરીને દરીયાકાંઠાના વિસ્તારોમાં ટેલી-કોમ્યુનિકેશનના માળખાને વ્યાપક અસર થઇ છે. મુખ્યત્વે અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મોબાઇલ ટાવર્સને થયેલા નુકશાનના પગલે મોબાઇલ ફોન નેટવર્ક ખોરવાયું હતું.
ગુજરાત સરકાર અને ભારત સરકારનું દૂરસંચાર મંત્રાલય તાઉ’તે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે, જેના પરિણામે બે જિલ્લા બોટાદ અને જૂનાગઢમાં મોબાઇલ ફોન નેટવર્ક પૂર્વવત કરવામાં આવ્યા છે.
પહેલા પાંચ જિલ્લામાં ઇન્ટ્રા સર્કલ રોમીંગની સુવિધા કાર્યરત હતી, તેને હવે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ૨૪મી મે સુધી કાર્યરત કરવામાં આવી છે. ૨૪મી મેની રાત્રીના 12.00 કલાક સુધી મોબાઇલ ફોન યુઝર તાઉ’તે પ્રભાવિત આ ત્રણ જિલ્લામાં કોઇ પણ સર્વિસ પ્રોવાઇડર કંપનીનું નેટવર્ક વાપરી શકશે. આ જિલ્લાઓમાં સર્જાયેલી આપાતકાલીન સ્થિતિમાં આ હંગામી વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના પ્રારંભીક તબક્કે ઇન્ટ્રા સર્કલ રોમીંગ સુવિધા રાજ્યના ૧૬ જિલ્લામાં કાર્યરત હતી, ત્યારબાદ પાંચ જિલ્લામાં હતી અને હવે આ ત્રણ જિલ્લામાં કાર્યરત છે.
આ સુવિધા માટે મોબાઇલ ફોન યુઝરે ફોનના સેટીંગ બદલી નેટવર્ક સિલેક્શન ઓટોમેટીક મોડ પર કરવું અનિવાર્ય છે. આટલું કરતાં પણ જો નેટવર્ક ન આવે તો ઉપલબ્ધ 2G / 3G / 4G અને કંપની નેટવર્કમાંથી મેન્યુઅલી સિલેક્ટ કરવાનું રહેશે.
રાજ્ય સરકારની આગેવાનીમાં સ્થાનિક વહીવટીતંત્ર અને કેન્દ્રીય દૂરસંચાર વિભાગ દ્વારા તાઉ’તે પ્રભાવિત ત્રણ જિલ્લામાં મોબાઇલ નેટવર્ક માળખું ૨૫મી મે સુધી પૂર્વવત્ થવાની સંભાવના છે. ટેલીકોમ્યુનિકેશન - મોબાઇલ નેટવર્ક સેવા પૂર્વવત ન થાય ત્યાં સુધી ઇન્ટ્રા સર્કલ રોમીંગ સુવિધાનો સમયગાળો વખતો વખત લંબાવવામાં આવશે, પણ હાલ 24 મે સુધી તેનો સમયગાળો રાખવામાં આવ્યો છે.
