નવલખી બંદર પર 485 મીટરની નવી જેટી નિર્માણ પામશે
Live TV
-
મુખ્યમંત્રીએ કાર્ગો પરિવહન માટે નવલખી બંદરની નવી જેટીના બાંધકામ માટે રૂ. 192 કરોડની દરખાસ્તને મંજૂરી આપી
રાજ્યમાં કાર્ગો પરિવહનના મહત્વપૂર્ણ બંદર એવા નવલખી બંદર ખાતે 485 મીટરની લંબાઈની નવી જેટી રૂ. 192 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આ નવી જેટીના નિર્માણ માટે કરવામાં આવેલી રૂ.192 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
નવલખી સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું અને મીઠા, કોલસા તથા સિરામીક, મશીનરી ઉદ્યોગોના માલ-સામાન પરિવહન માટેનું અગત્યનું બંદર છે.
આ બંદરની વર્તમાન માલ-પરિવહન ક્ષમતા 8 મીલિયન મેટ્રીક ટન પ્રતિ વર્ષની છે, તેને ભવિષ્યમાં વધારીને 20 મિલિયન મેટ્રીક ટન પ્રતિવર્ષ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે
આ સૂચિત 485 મીટરની લંબાઇની જેટીના કામો પૂર્ણ થતાં નવલખી બંદરની માલ પરિવહન ક્ષમતા લગભગ 16 મીલીયન મેટ્રિક ટન પ્રતિવર્ષ થવા પામશે. એટલે કે, આ બંદરની વાર્ષિક માલ પરિવહન ક્ષમતામાં 8 મિલિયન મેટ્રિક ટનનો વધારો થવાનો અંદાજ છે. તદઅનુસાર 2.5 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ મીઠાનો વધુ કાર્ગો, 4.5 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ કોલસાનો વધારાનો કાર્ગો અને 1.0 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ સિરામીક, ચિનાઇ માટી તથા મશીનરી ઉદ્યોગો જેવા અન્ય વધારાના કાર્ગોના માલ પરિવહનનો અંદાજિત વધારો થશે.
આ માલ પરિવહન ક્ષમતામાં થનારા સંભવિત વધારાને પરિણામે રાજ્ય સરકારને પ્રતિવર્ષ લગભગ રૂ. 50 કરોડની વધુ આવક થશે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ભારત સરકારની સાગરમાલા યોજના અન્વયે આ જેટીના કામો માટે રૂ. 41.30 કરોડની સહાય મંજૂર કરવામાં આવેલી છે.
