નેત્રંગ: વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત, વિકાસ યાત્રાએ 77 ગામ અને 39 ગ્રામ પંચાયતમાં પરિભ્રમણ કર્યું
Live TV
-
વિકાસ યાત્રાએ નેત્રંગ તાલુકાના 77 ગામોમાં અને 39 ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કર્યું.
નેત્રંગ તાલુકાના નેત્રંગ ગામે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું. ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી ડૉ.દિનેશકુમાર સાહેબની ઉપસ્થિતિમાં વિકાસ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે. 30 સપ્ટેમ્બર 2023થી શરૂ થયેલ વિકાસ યાત્રાએ નેત્રંગ તાલુકાના 77 ગામોમાં અને 39 ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કર્યું. કાર્યક્રમ દ્વારા ‘ધરતી કરે પોકાર કે’ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ધરતી માતાની પીડાને ઉજાગર કરતી સુંદર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી. ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપી માઁ ધરતીની પીડા સમજાવવા બદલ ધારાસભ્ય અને તાલુકા પંચાયત નેત્રંગના પ્રમુખ તથા તાલુકા પંચાયતના સભ્યોએ બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.
આ સંકલ્પ યાત્રાની સાથે આરોગ્ય, ખેતીવાડી, પ્રઘાનમંત્રી આવાસ યોજના, પશુપાલન, સ્વચ્છ ભારત મિશન યોજના, મિશન મંગલમ, મનરેગા, મહેસુલ વિભાગની યોજના,બેન્કની વિવિઘ યોજનાના સ્ટોલ ઉભા કરી માહિતી તથા યોજનાના લાભો અને સહાયોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમોમાં લાભાર્થીઓ દ્વારા તેમના સ્વમુખે યોજનાકીય લાભો થકી તેમના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની વાત કરવામાં આવે છે. કાર્યક્રમમાં સહભાગી બનેલા તમામ મહાનુભાવો તથા ગ્રામજનોએ ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ તકે, તમામ ગામોના સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, ઉપપ્રમુખ, તાલુકાના પંચાયતના સભ્ય તેમજ તાલુકા વિકાસ અઘિકારી સોહેલ પટેલ, મામલતદાર રીતેશ કોકણી, તાલુકા આરોગ્ય અઘિકારી અને વિસ્તરણ અધિકારી યોગેશ પવારના સફળ નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના તાલુકાના નોડલ તરીકે, તાલુકા વહીવટી તંત્ર અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજર રહી આ વિકાસની વણઝારને ઘર ઘર સુધી પહોંચાડતા રથના હર્ષભેર વધામણા કર્યા હતા.