સોમનાથ ખાતે ભગવાન શ્રીરામની ચરણ પાદુકાની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા
Live TV
-
22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાનની ચરણ પાદુકાઓ પણ ત્યાં રાખવામાં આવશે. હાલમાં આ પાદુકાઓનું દેશભરમાં પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે આ દિવ્ય પાદુકા ગીરસોમનાથના સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે લાવવામાં આવી હતી. જ્યાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ અને પૂજારીઓ દ્વારા ભવ્ય સ્વાગત અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી. આ ચરણ પાદુકા એક કિલો સોના અને સાત કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી છે.
22 જાન્યુઆરીએ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ચરણ પાદુકા 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ આ ચરણ પાદુકા બનાવી છે. 19 ડિસેમ્બરે દ્વારકાધીશ મંદિરેથી આ દિવ્ય પાદુકા સોમનાથ મહાદેવ મંદિર લાવવામાં આવી હતી. શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ આ શ્રીરામની પાદુકાઓ સાથે 41 દિવસ સુધી અયોધ્યાની પરિક્રમા કરી હતી. છેલ્લા બે વર્ષથી, આ પાદુકાઓને રામેશ્વરમથી બદ્રીનાથ સુધીના તમામ પ્રખ્યાત મંદિરોમાં લઈ જવામાં આવી રહી છે અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. હવે આ ચરણ પાદુકા બદ્રીનાથ મંદિર પહોંચશે. ત્યારબાદ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પાદુકા સ્થાપિત કરવામાં આવશે.