મહાશિવરાત્રીના પાવનપર્વે સવારે ચાર વાગ્યાથી સતત 42 કલાક સુધી સોમનાથ મંદિર ખુલ્લું રહેશે
Live TV
-
સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાશે. મહાશિવરાત્રીના દિવસે સવારે ચાર વાગ્યાથી સતત 42 કલાક સુધી સોમનાથ મંદિર ખુલ્લુ રહેશે. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓનાં દર્શન માટે પાલખીયાત્રા યોજવામાં આવશે.વહેલી સવારથી જ સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞ શાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે. મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંપરા અનુસાર જ મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે. તો સાંજે સાડા 6 કલાકે સોમનાથની ઐતિહાસિક ગાથાને ઉજાગર કરતી "જયતું સોમનાથ" સંગીત નાટીકા યાત્રીઓ માટે આકર્ષિત બનશે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થીવેશ્વર શિવલિંગની પૂજા કરાવવામાં આવશે. મહા શિવરાત્રીના દિવસે 8 માર્ચના રોજ સવારે 08:00થી 09:00 વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રોમોનેડ વૉક-વે પર મારુતિ બીચ ખાતે વિશેષ પૂજાનું સુંદર આયોજન થશે.આ પૂજા નોંધવા માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહા શિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે.પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે.શિવરાત્રી પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને 25₹ ની ન્યોછાવર રાશિથી બીલીપત્ર પૂજનના પુણ્ય અર્ચનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોએ આપેલા એડ્રેસ પર બિલ્વપૂજાના બીલી પત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે.આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ https://somnath.org/ShortTermPooja/ પર બુક થઈ શકશે.