પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે રાજકોટ સહિત રાજ્યભરમાં કંટ્રોલરૂમ શરૂ કરાયા
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન "પક્ષી બચાવો કરૂણા અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે.
ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાજકોટ શહેરમાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે 20 જાન્યુઆરી સુધી સારવાર માટેના કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન "પક્ષી બચાવો કરૂણા અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા સરકારના અન્ય સંબંધિત વિભાગો, બિનસરકારી સંસ્થાઓ અને સામાન્ય પ્રજાના સહયોગથી તહેવારના સમયે પતંગના દોરાથી ઘાયલ પશુઓ અને પક્ષીઓને ખાસ સારવાર માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ ખાતે મોબાઈલ નંબર 8469936128 તેમજ જેતપુર ખાતે મોબાઇલ નંબર 9099962062 પર સંપર્ક કરી શકાશે.
આ અભિયાન માટે જંગલખાતા દ્વારા દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ અને પક્ષી સારવાર કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. ઘાયલ પક્ષી વિશેની માહિતી આવા કેન્દ્રો સુધી પહોંચાડવા માગતા જીવદયા પ્રેમી લોકો માટે વ્હોટ્સએપ નંબર 83200 02000 જાહેર કરવામાં આવ્યો છે. પશુપાલન ખાતાએ પણ ટેલિફોન હેલ્પ લાઈન 1962 શરૂ કરી છે. કરુણા અભિયાનને સફળ બનાવવા માટે રાજ્યભરમાં આ વર્ષે 700થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 620થી વધારે તબીબો તેમજ 6,000 ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેશે.
