ફાર્મસીના શિક્ષણને લગતી તમામ બાબતો ઓનલાઇન થશે
Live TV
-
ફાર્મસી શિક્ષણમાં મોટાપાયે ફેરફારો કરવાની યોજના કાઉન્સીલે ઘડી છે.
ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ ફાર્મા શિક્ષણ તેમજ ફાર્મસીના વ્યવસાયની ઝડપથી પ્રગતિ થાય તે માટે હરણફાળ ભરવા અનેક પગલા લેવાનું આયોજન કર્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ચાંદખેડા ખાતે ફાર્મસી કોલેજોના ડિરેકટરો, આચાર્યો તેમજ મેડીકલ સ્ટોર્સના સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ ફાર્મા ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ ડો. બી. સુરેશે બે દિવસીય બેઠક યોજી હતી. આ બેઠકમાં જીટીયુના કુલપતિ ડો. નવીનચંદ્ર શેઠ તથા ગુજરાત સ્ટેટ કાઉન્સીલના પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં ડો. બી.સુરેશે જણાવ્યું હતું કે ફાર્મસી શિક્ષણમાં મોટાપાયે ફેરફારો કરવાની યોજના કાઉન્સીલે ઘડી છે. ડિજીટલ ઇન્ડીયાના યુગમાં આગામી વર્ષથી ફાર્મસી શિક્ષણને લગતી તમામ બાબતો ઓનલાઇન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મસી કાઉન્સીલ હવે ફાર્મસી શિક્ષણ તેમજ ફાર્માસીસ્ટોના કલ્યાણ માટે પણ પગલાં લેશે.