'મહા' ખતરો ટળ્યો, પણ ભારે વરસાદ મુશ્કેલી વધારશે
Live TV
-
હવામાન વિભાગે કહ્યું છે કે, ગંભીર ચક્રવાતી તોફાન મહા ગુજરાતના કિનારે પહોંચતા પહેલા નબળું પડી ગયું છે. આ ચક્રવાતી તોફાન અરબી સમુદ્રમાં શમી ગયાનું અનુમાન છે. હાલમાં આ વાવાઝોડાની અસર ઘટવાના પગલે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં હળવો વરસાદ થયાનું અનુમાન છે.તો આજે રાજ્યમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ વરસ્યો હતો.જેમાં અમરેલીના ખાંભા પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.ખાંભાના ભૂંડની, મોટા બારમન, નાના બારમન, ગોરાણા, ત્રાકુડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.ગીર સોમનાથ અને કોડીનારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.ઉનાના સૈયદ રાજપરાના દરિયામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.રાજપરા અને નવાબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો.મધ્યગુજરાતમાં પણ મહા વાવાઝોડાની અસર થઈ હતી અને ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.તો નર્મદા અને તાપી જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ બન્યું છે.આણંદમાં પણ હળવોથી ભારે વરસાદ જોવા મળ્યો.સંઘ પ્રદેશ દીવમાં જોવા મળ્યો સામાન્ય વરસાદ.તો નવસારી જિલ્લામાંપણ મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો..
તો મહા વાવાઝોડાની આફત ટળી જતાં જામનગર વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે જામનગર પરથી મહા ચક્રવાતની સંકટ ટળ્યું હોવાની જાણકારી આપી હતી.જો કે જિલ્લામાં વરસાદની સંભાવનાને પગલે તંત્ર સાબદુ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરે કહ્યું કે વાવાઝોડું દક્ષિણ તરફ દરિયામાં ફંટાઈ ગયું છે જેના કારણે જામનગરમાં કોઈ અસર જોવા નહીં મળે.પરંતુ છૂટા છવાયા વરસાદને કારણે ખેડૂતોએ તકેદારી રાખવી જોઈએ.જિલ્લાના કાલાવડ, જામજોધપુર, અને લાલપુર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.જામનગરના દરિયામાં હજુ ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયેલું છે.અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે.
કેશોદના ડેપ્યુટી કલેક્ટરે પણ દરિયાઈ વિસ્તારની મુલાકાત કરી હતી...સૌરાષ્ટ્રના દરિયા કિનારે મહા વાવાઝોડાના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. જો કે આ વાવાઝોડાની તીવ્રતા ઓછી થવાથી તેનું સંકટ ટળ્યુ છે. કેશોદના ડેપ્યુટી કલેકટર રેખા બા સરવૈયાએ દૂરદર્શન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ પણ આપત્તિ સામે લડત આપવા તંત્ર ખડેપગે છે
તો જે જગ્યાએ એટલે કે દીવના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાવાનું હતું ત્યાં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે દીવ વહીવટી તંત્ર પણ સજ્જ છે..
મોરબી જિલ્લા તંત્ર સાબદુ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા NDRF ની ટીમને મોરબીમાં સજ્જ કરી દેવામાં આવી છે. બુધવારે NDRFની ટીમે સ્થળની સમીક્ષા કરી હતી.. તેમજ મોરબી જિલ્લા કલેકટર સાથે સુરક્ષાને લઈને ચર્ચા વિચારણા કરી હતી અને જરુરી માર્ગદર્શન આપ્યું હતું. જો કોઈ દુર્ઘટના ઘટે તો દરિયાની નજીકના વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી હતી. તો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓને કોઈ તકલીફ ન પડે તે હેતુસર 45 જેટલી સગર્ભા મહિલાઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું. જે પૈકી 26 જેટલી મહિલાઓની સફળ પ્રસૂતિ કરવામાં આવી હતી..
"મહા" ચક્રવાતી વાવાઝોડાને લઇને કોસ્ટગાર્ડના ડી.આઈ.જીએ પોરબંદર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે 55થી 86 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. જયાં સુધી વાવાઝોડાનુ સંકટ સંપૂર્ણપણે ટળશે નહીં ત્યાં સુધી કોસ્ટ ગાર્ડની ટીમને સર્તક રાખવામાં આવી છે. માછીમારોને પણ સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી હતી. ગુજરાત કોસ્ટ ગાર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં 15 જેટલી ટીમ અને 10 જેટલા શીપ તૈયાર આવી છે. તેમજ પોરબંદરમાં 6 ટીમ તૈનાત કરવામાં આવી હતી.
તો મહા વાવાઝોડું નબળું પડ્યું હોવા છતાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે અમરેલી જિલ્લા તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજય સરકાર દ્વારા જાફરાબાદમાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દરિયામાં પેટ્રોલિંગ માટે સજ્જ છે. સરકાર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ચાંચ બંદરને એલર્ટ રાખાયા છે. આજુબાજુના 17 ગામોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે..
