મહિસાગરઃ કાચી કેરીના આંબોળિયા અને આમચૂર પાઉડર બનાવી આવક મેળવે છે ખેડૂતો
Live TV
-
કાચી કેરીમાંથી બનાવેલ રસ મધુર આંબોળિયા પણ મહિસાગર જિલ્લાની એક ઓળખ છે.
મહીસાગર જિલ્લો કુદરતી સંપદા અને સૌંદર્યથી ભરપૂર છે. કાચી કેરીમાંથી બનાવેલ રસ મધુર આંબોળિયા પણ મહિસાગર જિલ્લાની એક ઓળખ છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સુકવેલા અંબોળિયા ઘણા મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા ગામે ગામે બનાવી તૈયાર કરવામાં આવે છે. કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયામાંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે જેનો ઊપયોગ દાળ-શાક તેમજ અન્ય વાનગીમાં ખટાશ તરીકે વાપરી વાનગીને રસ મધુર બનાવવા માટે થાય છે.
આંબોળિયા બનાવવા એક વિશેષ કળા છે. કેરીમાંથી કઈ રીતે સફેદ આંબોળિયા અને કઈ રીતે લાલ આંબોળિયા બને છે તે કેરીની ગુણવત્તા ઉપર આધાર રાખે છે. નાના ખેડૂતો અને ગ્રામજનોને આંબોળિયાથી પુરક રોજી રોટી મળે છે. આંબોળિયા નાના ખેડૂતો ઘરમાં બનાવે છે અને તેને ઘર પર સુકવે છે. જેમ તેનો રંગ સફેદ હોય તેમ ભાવ વધારે આવે છે. અંદાજીત એક કિલો આંબોળિયાનો ભાવ રુ. 100 થી 170 જેટલો હોય છે. રસમધુર આંબોળિયા એ જિલ્લાનો પરંપરાગત જળવાયેલો મહેનતકશ ખેડૂતોને પૂરક આજીવિકા પૂરો પાડતો વ્યવસાય છે. આ પંથકના અંબોળિયા વખણાવાનું મુખ્ય કારણ એ પણ છે કે, આ પંથકમાં દેશી સુધાર્યા વગરની જાતોના આંબા વધુ પ્રમાણમાં છે તેમાં ખટાશ વધુ હોય છે તેમાંથી સૂકવી તૈયાર કરાયેલા આંબોળિયાની દેશભરમાં માંગ રહે છે.
લુણાવાડાના વર્ષો અગાઉના મુખ્ય બજારની વ્યાપારી પેઢીઓ દ્વારા આંબોળિયાનો વેપાર દેશભરમાં ફેલાયો હતો. અહીંના સ્થાનિક વેપારીઓ સિઝનમાં મોટાપાયે અંબોળિયાની ખરીદી કરી દિલ્હી સહિતના દેશભરના વિવિધ બજારોમાં પહોંચાડે છે.
