રાજકોટ : ટ્રેક ડબલિંગના કામને લીધે ટ્રેન વ્યવહાર ખોરવાશે, જાણો કઈ કઈ ટ્રેનો થશે પ્રભાવિત?
Live TV
-
સૌરાષ્ટ્ર, અમદાવાદ, મુંબઇ, દિલ્હી વચ્ચેની 12 ટ્રેનો 11 દિવસ રદ રહેશે
પશ્ચિમ રેલવેના રાજકોટ વિભાગમાં દિગસર-ચમારજ વિભાગમાં ટ્રેક ડબલિંગનું કામ ચાલી રહ્યું હોવાથી આગામી તા.૨૧ ફેબુ્રઆરી સુધી ૧૨ ટ્રેનો સંપૂર્ણ રદકરી દેવામાં આવી છે . ઉપરાંત અમદાવાદ-રાજકોટ, રાજકોટ-વિરમગામ, અમદાવાદ-જામનગર વચ્ચે દોડતી કુલ ૮ ટ્રેનોને આંશિક રદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના સોમનાથ, ઓખા, જામનગર, રાજકોટ, અમદાવાદથી મુંબઇ તેમજ દિલ્હી તરફ જતી-આવતી ટ્રેનો રદ રહેનાર છે. દશેક દિવસ સુધી લાંબા ચાલનારા આ કામને કારણે આ રૂટની ટ્રેનોનું સંચાલન ખોરવાઇ જશે. જેના કારણે હજારો મુસાફરોને હેરાનગતી ભોગવવી પડશે.
ટ્રેન નં. ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.૧૦ થી ૨૦ ફેબુ્રઆરી સુધી રદ રહેશે. ટ્રેન નં. ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી તા.૧૧ થી ૨૧ ફેબુ્રઆરી સુધી રદ રહેશે. ૫૯૫૪૭ અમદાવાદ-રાજકોટ-અમદાવાદ લોકલ ટ્રેન તા.૧૧ થી ૨૦ ફેબ્રુઆરી સુધી રદ રહેનાર છે. આ ઉપરાંત ટ્રેન નં. ૨૨૯૨૩ બાન્દ્રા -જામનગર હમસફર એક્સપ્રેસ તા.૧૦, ૧૨, ૧૫, ૧૭ અને તા.૧૯ ફેબુ્રઆરીના રોજ રદ રહેશે. ૨૨૯૨૪ જામનગર-બાન્દ્રા હમસફર તા.૧૧ , ૧૩, ૧૬ , ૧૮ અને ૨૦ ફેબુ્રઆરીના રોજ રદ રહેશે. જેના કારણે રાજકોટથી અમદાવાદ, મુંબઇ તરફ જતા-આવતા મુસાફરોને દશેક દિવસ સુધી ભારે હાલાકી ભોગવવી પડશે. તેઓએ મુસાફરી માટે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવો પડશે.
ટ્રેન નં. ૧૯૫૭૯ રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ તા.૧૩ તેમજ તા.૨૦ ફેબુ્રઆરીના રોજ રદ રહેશે. ૧૯૫૮૦ દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ તા. ૧૪ અને ૨૧ ફેબુ્રઆરીની રદ રહેશે જેના કારણે રાજકોટથી દિલ્હી તરફ જતા-આવવા માંગતા મુસાફરો છેલ્લી ઘડીએ અટવાઇ પડશે.તા.૧૫ ફેબુ્રઆરીની ઓખા-નાથદ્વાર એક્સપ્રેસ, તા.૧૬ ફેબુ્રઆરીની નાથદ્વાર-ઓખા એક્સપ્રેસ અને રાજકોટ-રીવા એક્સપ્રેસ રદ રહેનાર છે. તેમજ તા.૧૭ ફેબુ્રઆરીની રીવા-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનને પણ રદ જાહેર કરાઇ છે.
આ ઉપરાંત આઠ ટ્રેનોને આંશિક રદ કરી દેવામાં આવી છે. જેમાં ઓખા-વિરમગામ -ઓખા લોકલને તા.૧૧ થી ૨૦ ફેબુ્રઆરી સુધી રાજકોટ-વિરમગામ-રાજકોટ વચ્ચે રદ કરાઇ છે. ટ્રેન નં. ૧૨૨૬૭ મુંબઇ સેન્ટ્રલ-રાજકોટ દુરન્તો એક્સપ્રેસ ટ્રેનને તા.૧૦ ફેબુ્રઆરીથી તા. ૧૯ ફેબુ્રઆરી સુધી અમદાવાદ-રાજકોટ વચ્ચે આંશિક રદ કરી દેવાઇ છે. જેના કારણે દુરન્તો ટ્રેનના રાજકોટ જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાશે. તેવી જ રીતે રાજકોટ-મુંબઇ સેન્ટ્લ દુરન્તો ટ્રેને તા.૧૧ થી ૨૦ ફેબુ્રઆરી સુધી રાજકોટના બદલે અમદાવાદથી ઉપડશે. આ ટ્રેન રાજકોટ-અમદાવાદ વચ્ચે રદ રહેનાર છે. ટ્રેન નં. ૧૯૨૧૭ બાન્દ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ તા. ૧૦ થી ૧૯ ફેબુ્રઆરી સુધી અમદાવાદ-જામનગર વચ્ચે રદ રહેનાર છે.
૧૯૨૧૮ જામનગર-બાન્દ્રા તા.૧૧ થી ૨૦ ફેબુ્રઆરી સુધી જામનગરને બદલે અમદાવાદથી દોડાવાશે. આ ટ્રેન અમદાવાદ-જામનગર વચ્ચે રદ રહેશે. ૦૧૨૦૭ નાગપુર-રાજકોટ સ્પેશિયલ ટ્રેન તા.૧૦ અને તા.૧૭ ફેબુ્રઆરીના રોજ અમદાવાદ-રાજકોટ વચ્ચે રદ રહેશે. રાજકોટ-નાગપુર સ્પેશિયલ ટ્રેન તા.૧૧ અને તા.૧૮ ફેબુ્રઆરીના રોડ રાજકોટ-અમદાવાદ વચ્ચે રદ રહેશે.
સુરેન્દ્રનગરથી રાજકોટ વચ્ચે રેલવેની ડબલ લાઇન નાંખવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરથી ચમારજ સુધીનો ૯ કિ.મી.ની લાઇનનું ડબલ ટ્રેકનું કામ પુરૂ થઇ ચૂક્યું છે. જ્યારે ચમારજથી દિગસર વચ્ચેનું કામ પૂર્ણતાને આરે છે.ત્યાર પછીના રાજકોટ સુધીનું કામ આગામી વર્ષોમાં પુરૂ કરાશે. જોકે ૬૦ કિ.મી.ના પટ્ટામાં જમીન અધિગ્રહણનું કામ અટવાયું હોવાથી ડબલ ટ્રેકનું રાજકોટ સુધીનું કામ અટવાયું છે. જેમાં સુખદ ઉકેલની આશા છે. સુરેન્દ્રનગરથી -રાજકોટ વચ્ચે ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થતા અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી સમયમાં ૨૦ થી ૩૦ મિનિટ સુધીનો ઘટાડો થઇ જશે. ટ્રેકની કેપેસીટી વધતા નવી ટ્રેન પણ દોડાવી શકાશે.