રાજ્યના અંદાજે ૫૩ લાખથી વધુ કિસાનોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળશે
Live TV
-
કોઇપણ પ્રિમીયમ ભર્યા વિના રાજ્યના ધરતીપૂત્રોને મળશે યોજનાકીય લાભ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુક્સાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ ૨૦૨૧ માટે મંજૂરી આપી છે.આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સિમાંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના અંદાજે ૫૩ લાખથી વધુ કિસાનોને આ યોજનાનો લાભ મળશે. એટલું જ નહીં આ યોજના માટે ખેડૂતે કોઇ જ પ્રીમિયમ કે અન્ય કોઇપણ પ્રકારની નોંધણી ફી ભરવાની રહેશે નહીં. અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોમખથી થતા પાક નુક્સાનને પણ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના સહાય ધોરણ અંગેની વાત કરવામાં આવે તો, ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાનની ટકાવારી 33 થી ૬૦ ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા ૨૦,૦૦૦ની સહાય વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. અને જો નુકસાન ૬૦ ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા ૨૫,૦૦૦ની સહાય મહત્તમ ૪ હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા ડેડિકેટેડ પોર્ટલ પણ તૈયાર કરાશે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઇ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહશે. ખેડૂતોને અરજી માટે કોઇપણ પ્રકારની ચૂકવણી કે ફી ભરવાની રહેશે નહીં. તેમજ અરજીની ડેટા એન્ટ્રી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ ખર્ચ ચૂકવશે.આ મુખ્યમંત્રી સહાય યોજનામાં પ્રાથમિક આકારણી અને ખેડૂતોની અરજીના આધારે લાભની ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી સહાય મંજૂર થયા બાદ જિલ્લા કક્ષાએથી સહાયની રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.
