રાજ્યમાં બીજા દીવસે પણ વરસાદની પવન સાથે ધમાકેદાર એન્ટ્રી
Live TV
-
નવસારી
રાજ્યમાં આ દિવસોમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદનાં આગમનથી લોકોમાં આનંદ છવાયો છે. નવસારી જિલ્લામા છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે છુટા છવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. નવસારી શહેર સહિત જીલ્લામાં આજથી મેધરાજાનું ધીમી ધારે આગમન થયું છે. નવસારી-વિજલપોર શહેરમાં વરસાદનાં આગમનથી રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતાં વાહન ચાલકોને હાલાકી પડી હતી, જેના પગલે જનજીવન પર માઠી અસર પડી છે. નવસારી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન સરેરાશ બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નવસારીમાં સારા પ્રમાણના વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા પ્રજાને ગરમીથી રાહત મળી છે. સમયસર વરસાદનું આગમન થતા ખેડૂતોમાં હરખની લાગણી જોવા મળી રહી છે.
વડોદરા
વડોદરામાં ગુરુવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવતા જ , આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અને જોરદાર પવન અને ગાજવીજ વરસાદ આવ્યો હતો. ગઈકાલે રાત્રે ઝાપટું વરસ્યા બાદ આજે બપોરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટે નગરજનોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. પરંતુ ગરમીમાંથી છુટકારો મળતાં લોકોમાં ખુશી છવાઇ હતી. તો ઘણી જગ્યાએ વૃક્ષો પડવાના અને બેનર તૂટી પડવાના બનાવો સામે આવ્યા છે. ભારે પવન સાથેના વરસાદને પગલે શહેરમાં ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. શહેરના કારેલી બાગ અને સોમા તળાવ પાસે શહેરનાં પ્રવેશ દ્વારના ગેઇટ તૂટી પડ્યાં હતાં.
સુરત
સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે વાતાવરણ વાદળ છાયું જોવા મળ્યું હતું. ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી માહોલ સર્જાયો હતો. શહેરના અઠવા લાઇન્સ, સીટી લાઈટ, અને ડુમસ વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. તો બીજી તરફ સવારમાં જ વરસાદ વરસતા નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા. જો કે વરસાદના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.
