રાજ્યમાં મ્યુકરમાઇકોસિસની સારવાર માટે ટાસ્ક ફોર્સની કરવામાં આવી રચના
Live TV
-
કોરોનાના પ્રવર્તમાન એપીડેમીકમાં રાજ્યભરમાં મ્યુકરમાયકોસિસના કેસો સામે આવી રહ્યા છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા એપેડેમીક એક્ટ 1897 અન્યવયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સારવાર માટે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય, ઝડપી સારવાર મળે તેવા હેતુથી 11 તજજ્ઞ-તબીબોની એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા સતત પરામર્શ કરીને સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે બધી સિવીલ હોસ્પિટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કર્યા છે. આ રોગની અસર જેમને થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આ રોગનો વ્યાપ વધે નહિ તે માટે આરોગ્યતંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી છે. એટલું જ નહીં, આ રોગની સારવાર માટે જરૂરી એવા ઇન્જેક્શનની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજ્ય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થાઓ કરી છે.
