રાજ્ય સરકારે વાવાઝોડા અસરગ્રસ્ત માછીમારો માટે રુ. 105 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Live TV
-
માછીમારોને થયેલા નુક્સાનમાં રાહત આપવા માટે રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રુપિયા 105 કરોડના સૌથી મોટા રાહત પેકેજને મંજૂરી અપાઈ છે.
રાજ્યામાં આવેલા તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારોને થયેલા નુક્સાનમાં રાહત આપવા માટે રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રુપિયા 105 કરોડના સૌથી મોટા રાહત પેકેજને મંજૂરી અપાઈ છે. મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટીની બેઠકમાં માછીમારોને રાહત માટે આ રાહત પેકેજ મંજૂર કરાયુ છે.
ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા બંદરો જાફરાબાદ, રાજુલા, સૈયદરાજપરા, શિયાળબેટ, નવાબંદર સહિતના બંદોરોને તાઉતે વાવાઝોડાથી વ્યાપક નુકસાન થયુ હતું. કલાકના 220 કિ.મીની ઝડપે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો જેને પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ સહિત અમૂક કિસ્સાઓમાં મત્સ્યબંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટાપાયે નુક્સાન થયું હતું
આ રાહત પેકેજમાં નુકસાનના વિવિધ માપદંડ પ્રમાણે માછીમારોને સહાય અપાશે. જેમાં નીચે મુજબના નિયમો બનાવાયા છે.
1. બોટ જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના 50 ટકા અથવા રૂ. 35,000 સુધી સહાય. બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
2. અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં 50% અથવા રૂ. 35,000 સહાય. બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
3. નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના 50% અથવા રૂ. 75,000 બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે.
4. અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50% અથવા રૂ. 2 લાખ બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય.
5. આ ઉપરાંત ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના અશંત નુક્સાનના કિસ્સામાં માછીમાર રૂપિયા 5 લાખ સુધીની લોન મેળવે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.
6. પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50 ટકા અથવા રૂ. 5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે.
7. આ ઉપરાંત માછીમાર રૂ. 10 લાખ સુધીની લોન મેળવે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.
8. ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ, ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂ. 8200 પ્રમાણે સહાય અપાશે.
9. નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. 2000ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવાશેય
આ સાથે દરિયાકાંઠાના જાફરાબાદ-નવાબંદર-સૈયદ રાજપરા-શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા માળખાકીય નુક્સાનની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં રૂ. 80 કરોડનો ખર્ચ થશે.
