વડોદરાઃ તંત્રની આગમચેતી વ્યવસ્થાથી કોરોનાની સારવાર લેતા દર્દીઓને ના પડી કોઈ મુશ્કેલી
Live TV
-
કોવિડ સારવાર કરતી હોસ્પિટલોને ચક્રવાતથી વીજ પુરવઠો ખોરવાય તો પણ ડીજી સેટથી પુરવઠો મેળવી સારવાર ચાલુ રાખવાની સૂચનાને પગલે 39 હોસ્પિટલોમાં 1098 જેટલાં દાખલ દર્દીઓની સારવાર વિઘ્ન વગર ચાલુ રહી હતી. જેમાં ઓકસીજન સપોર્ટપરના 573 કોવિડ દર્દીઓને સારવાર મળી હતી.
જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વડોદરા શહેર અને જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં કોવિડની સારવાર લેતા અને તે પૈકીના ઓકસીજન સપોર્ટ પરના દર્દીઓને અનુલક્ષીને સંબંધિત હોસ્પિટલોને આકસ્મિક સંજોગોને પહોંચી વળવા ડીજી સેટ વસાવવા, ચાલુ હાલતમાં રાખવા અને પૂરતા બળતણની વ્યવસ્થા રાખવા વિગતવાર સૂચના આપી હતી. તાઉ'તે વાવોઝોડાના પ્રભાવથી તોફાની પવનો ફૂંકાવાની પ્રબળ શક્યતાને અનુલક્ષીને હોસ્પિટલોનો વીજ પ્રવાહ ખોરવાય તો આ ડીજી સેટની મદદથી વીજળી મેળવીને ઓકસીજન સપોર્ટ સહિતની સારવાર ચાલુ રાખવાની અગમચેતી અને તકેદારી રૂપે આ સૂચના આપવામાં આવી હતી. તેમણે હોસ્પિટલ સંચાલકો સાથે વારંવાર વિડિયો કોન્ફરન્સ કરી આ નિર્ણયના અમલની ખાત્રિબધ્ધ વ્યવસ્થા કરી હતી.
ચક્રવાતના પ્રભાવથી તા.18 મી એ જ્યારે વીજ પ્રવાહ ખોરવાયો ત્યારે વડોદરા શહેર અને જિલ્લાની ૩૯ સરકારી અને ખાનગી કોવિડની હોસ્પિટલોમા વીજ પુરવઠો બંધ થયેલ હતો ત્યારે આ ૩૯ હોસ્પિટલોમા ડીજી સેટ ની મદદથી ૧૦૯૮ જેટલા કોવિડ દર્દીઓ અને ઓકસીજન અને વેંટિલેટર સપોર્ટ સહિતના કુલ ૫૭૩ દર્દીઓની જરૂરી સારવાર ચાલુ રાખી શકાય હતી.
આ વ્યવસ્થા ને પગલે આ તમામ દર્દીઓની સારવાર વિઘ્ન વગર ડીજી સેટ થી જનરેટ થયેલા વીજ પ્રવાહ થી ચાલુ રાખી શકાય હતી અને આ વ્યવસ્થા ખૂબ જીવન રક્ષક પુરવાર થઈ હતી. ઘણી હોસ્પિટલોમાં 1 કલાકથી 20 કલાક સુધી આ દરમિયાન વીજ પ્રવાહ અટકયો તેમ છતાં આ વૈકલ્પિક વ્યવસ્થાથી ઘણી મોટી સંભવિત મુશ્કેલી તંત્રની અગમચેતીથી ટળી હતી.
