વલસાડ પોલીસ વિભાગે રસીકરણ વધારવા શરુ કર્યું નવું અભિયાન
Live TV
-
વલસાડ પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકના હદ વિસ્તારમાં યુવા રસીકરણ અંગે લોકોમાં રહેલી અફવા દૂર કરી રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ જિલ્લામાંથી સૌથી વધુ વાપી ટાઉન પોલીસે 8,419 લાભાર્થીઓને રસીકરણ અંગે જાગૃત કરીને ઓનલાઇન રજીસ્ટેશન માટે નોંધણી કરાવવામાં આવી છે. જિલ્લામાં કુલ 12 હજારથી વધુ લોકોનું પોલીસ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવામા આવ્યું છે. વલસાડ સીટી પોલીસે તિથલ, હનુમાનભાગડા, ભગડાવડા અને કોસંબા સહિતના વિસ્તારોમાં યુવા રસીકરણ અંગે લોકોમાં રહેલી અફવા અને ગેરસમજો દૂર કરી યુવાનોમાં રસીકરણ અંગે જાગૃતિ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 100% રસીકરણ ઝુંબેશ લક્ષ્યાંક સાથે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. લોકોમાં કોરોના રસી અંગે ઉભી થયેલી ગેરસમજ અને અફવાઓને લઈને યુવા રસીકરણ ઘટી રહ્યું હતું. શહેરી વિસ્તારમાં રસીકરણ વધી રહ્યું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ ઘટી રહ્યું છે. જેને લઈને રેન્જ IG અને વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ વલસાડ જિલ્લાના 13 પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ જવાનોને કોરોના રસી અંગે જન જાગૃતિ ચલાવવા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઝુંબેશ અંતર્ગત કોરોના રસી અંગે લોકોમાં ઉભી થયેલી ગેરસમજો દૂર કરવાનો અને લોકોને રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટેશન કરી આપવામાં આવી રહ્યું છે.
