વિધાનસભા શિયાળુ સત્રના બીજા દિવસે મહેસુલ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર
Live TV
-
અમદાવાદ જિલ્લા અને શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા પાણી જન્ય રોગોના કેસો મામલે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન-કહ્યુ આરોગ્ય વિભાગે આ મામલે લીધા છે ઘનિષ્ઠ પગલાં-વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે ગુજરાત રાજ્ય શિક્ષણ પરિષદ સુધારા વિધેયક 2019 અને મહેસુલ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર
જાણો આજે વિધાનસભા સત્રમાં થયેલી ચર્ચા વિશે વિગતે..
ચૌદમી વિધાનસભાના બીજા દિવસે તારાંકિત પ્રશ્નોત્તરી નાણાં, માર્ગ- મકાન, આરોગ્ય, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર યોજના, પાટનગર યોજના, શિક્ષણ , મીઠા ઉદ્યોગ , ગૌ-સંવર્ધન , ઉર્જા, વન, આદિજાતિ વિકાસ, પંચાયત અને પર્યાવરણી ચર્ચા કરવામાં આવી હતી.
વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે અમારી સરકાર ગતિશીલ છે અને રહેશે. રાજ્યના વિકાસ કામોમાં સ્થગિતતા લોકસભા ચૂંટણી આચાર સંહિતા તથા કમોસમી વરસાદને લીધે હતી. અને હવે આ કામો યુદ્ધના ધોરણે હાથ ધરાઈ રહ્યા છે તેમ નીતિન પટેલે જણાવ્યું. તો માર્ગ મકાન વિભાગના મોટા ભાગના કામો માર્ચ સુધી પૂર્ણ કરાશે. સાથે જ 285 મદદનીશ ઈજનેરો અને 85 ડેપ્યુટી એન્જિનિયરોને ઝડપથી નિમણૂક અપાશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના પરિણામો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે.તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાને પરિણામે ખેડૂતની જમીનના ભાવો વધ્યા છે.તેમજ ઉત્પાદન થયેલા પાકોના બજારભાવ પણ ઉંચા આવ્યા છે. અમરેલી જિલ્લામાં આ યોજના હેઠળ રૂ.189 કરોડના ખર્ચે 177 કામો હાથ ધરાયા છે. તે પૈકી 60 કામો પૂર્ણ કરાયા છે. 45 કામો પ્રગતિમાં છે. જ્યારે 72 કામો સત્વરે હાથ ધરીને પૂર્ણ કરવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે સમગ્ર સૌરાષ્ટ્રને પીવાનું અને જરૂર પડ્યે ખેતીનું પાણી આપવા ત્રણ તબક્કામાં સૌની યોજનાનું કામ થયું છે. અને રૂ.13,800 કરોડના ખર્ચની આ યોજનાથી સમગ્ર સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. નર્મદાના વધારાના પાણીથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડેમો ભરવા અંગેના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે તારીખ 30-10-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં 364.11 મિલિયન ઘનમીટર પાણીનો જથ્થો આપવામાં આવ્યો છે.
રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા પાણીજન્ય રોગો અટકાવવા આરોગ્ય વિભાગે ઘનિષ્ઠ પગલા લીધા હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. અમદાવાદ જિલ્લા અને શહેરમાં છેલ્લા બે વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યૂ અને કોંગો ફિવરના કેસોને લગતા એક પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે પાણીજન્ય રોગોને અટકાવવા ઘનિષ્ઠ ફીવર સર્વેલન્સ, પોરાભક્ષક માછલીઓનું વિતરણ, ફોગિંગ, જંતુનાશક દવા યુક્ત મચ્છરદાનીના ઉપયોગ અને આરોગ્ય શિક્ષણ પ્રવૃત્તિ જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં 2.25 લાખ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જે સરકારી શાળાઓમાં અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું. ઓનલાઈન શિક્ષણ આપતા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં 4,000 વર્ગોની તેમજ બીજા તબક્કામાં 5000 વર્ગોને આવરી લેવામાં આવ્યા છે. તેમ વિધાનસભા ગૃહમાં પ્રાથમિક શાળાના બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપવા અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું. તો શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે રાજ્યમાં તબક્કાવાર ધોરણ 6થી 8ની સરકારી પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવશે. જે અંતર્ગત હાલમાં તારીખ 31-10-2019ની સ્થિતિએ આણંદ જિલ્લાની ધોરણ 6થી 8ની 699 પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ઉપલબ્ધ કરાવાઈ છે.
અનુસૂચિત જનજાતિ સમાજને વધુ સ્વાવલંબી બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું આદિજાતિ વિકાસમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું. સુરત પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના લોકોને સ્વાવલંબી બનાવવા માટેની માનવ ગરિમા યોજના અંતર્ગત સુરત જિલ્લામાં વર્ષ 2018-19માં 1844 લાભાર્થીઓને રૂ.47.82 લાખની સાધન સહાય આપવામાં આવી છે. રાજ્યમાં માનવ ગરિમા યોજના અંતર્ગત રૂ.6 હજારની કિંમતની રોજગારલક્ષી સાધન સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 56,640 જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હોવાનું મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું.
વનમંત્રી ગણપત વસાવાએ રોપાના વાવેતર અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર અનિવાર્ય છે. અને એટલા માટે જ રાજ્યમાં સામુહિક વન નિર્માણ યોજના હેઠળ રોપાઓનું વાવેતર કરવામાં આવે છે. આ ઉપરાંત મહેસાણા તાલુકામાં છેલ્લા બે વર્ષમાં રૂ.64.69 લાખના ખર્ચે 98 લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં નીલગીરી, લીમડો, દેશી બાવળ, ખાટી આંબલી જેવા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
