વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની આગવી પહેલ
Live TV
-
સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ’ લોન્ચ કરનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
આજે વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની આગવી પહેલ રૂપ ‘સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ’ લોન્ચ કરીને ગુજરાતને આ ક્ષેત્રે પ્રથમ રાજ્યનું ગૌરવ અપાવ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા IIM અમદાવાદ અને IIT ગાંધીનગરના તજજ્ઞોના સહયોગથી તૈયાર કરવામાં આવેલા સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ અને કોવિડ-19ની રાજ્યના વિવિધ ક્ષેત્રો પર પડેલી અસરો અંગેના અહેવાલનું વિમોચન ગાંધીનગરમાં સંપન્ન કર્યુ.
ગુજરાત સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જમાં ર૦૩૦ સુધીમાં રાજ્યમાં કલાયમેટ ચેન્જ અનુકુલન, શમનના આયોજન અને પગલાંઓનો સમન્વય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અહેવાલ અને સ્ટેટ એકશન પ્લાનનો વિમોચન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત કલાયમેટ ચેન્જના પડકારોને હલ કરવાના લાંબાગાળાના એકશન પ્લાનને અમલમાં મૂકનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણ અને કલાયમેટ ચેન્જ અંગે દાખવેલી પ્રતિબદ્ધતાને આપણે આગળ ધપાવી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ કર્યુ છે. રાજ્યમાં પ્રદૂષણમુકત યાતાયાત સુવિધાઓ માટે CNG વાહનોને તેમજ ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન અપાય છે. ૯ હજાર CNG ફિલીંગ સ્ટેશન ઊભા કરી વધુને વધુ લોકો CNG વાહનોનો વપરાશ કરે પ્રદૂષણ અટકે તેવી નેમ રાખી છે. ઇલેકટ્રીક વાહનોના વપરાશ માટે પણ પોલીસી ઘડી છે. વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે, ઊર્જા બચત, જળસંરક્ષણ, વનીકરણ, આપત્તિ વ્યવસ્થાપન એમ બહુધા ક્ષેત્રોમાં કલાયમેટ ચેન્જના પડકારો સામે સજ્જ થવા આપણે ફોકસ કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારત સરકારે કલાયમેટ ચેન્જના નિયત કરેલા લક્ષ્યાંકો અનુસાર ગુજરાતનો આ નવો સ્ટેટ એકશન પ્લાન આવનારા ૧૦ વર્ષ એટલે કે ર૦૩૦ સુધીના સમયગાળાને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલો છે. આ એકશન પ્લાનમાં રિન્યુએબલ એનર્જી, એનર્જી સેવિંગ, વોટર કન્ઝર્વેશન, વનીકરણ, સાગરકાંઠા વિસ્તારો, આદિજાતિ ક્ષેત્રો, પશુપાલન, ખેતી, આરોગ્ય જેવા વિવિધ પાસાંઓને આવરી લેવાયા છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ આ સ્ટેટ એકશન પ્લાન તૈયાર કરવામાં IIM અમદાવાદ અને IIT ગાંધીનગરના તજજ્ઞોના સહયોગની સરાહના કરી હતી. આ લોન્ચીંગ વેળાએ કલાયમેટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, જેડાના એમ.ડી. શ્રી બિજલ શાહ તેમજ IIMના ડૉ. અમિત ગર્ગ, સિદ્ધિબહેન, વિમલ મહેશ્વરી વગેરે જોડાયા હતા.
