શ્રી દરબારસાહેબ ગોપાળદાસ દેસાઈની’ ૧૩૬મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
Live TV
-
ભારતની સ્વતંત્રતા માટે રાજપાટ છોડી દેનાર પ્રથમ રાજવી એવા દરબારસાહેબ ગોપાળદાસ દેસાઈની ૧૩૬મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
શ્રી દરબારસાહેબ ગોપાળદાસ દેસાઈના તૈલચિત્રને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા બાદ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે તેઓના જીવનમાંથી પ્રેરણા લેવા માટે તેમના તૈલચિત્રો વિધાનસભા પોડિયમ ખાતે મુકવામાં આવ્યા છે. શ્રી દરબારસાહેબે સૌરાષ્ટ્રમાં આવેલા ઢસા-રાયસાંકળિયાનું તેમનું નાનું રાજ્ય ભારતના સ્વતંત્રતા યજ્ઞમાં સામે ચાલીને સોંપી દીધું હતું.
અધ્યક્ષએ ઉમેર્યું હતું કે, તેઓ આણંદ, બોરસદ, વડોદરા વગેરે જેવા અનેક સ્વાતંત્ર્ય સંગ્રામમાં આગેવાની લીધી હતી. આ ઉપરાંત, તેઓ સુરતના હરિપુરા ગામે ભરાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં સંપૂર્ણપણે સક્રિય હતા. આઝાદી પૂર્વે ગુજરાતમાંની દેશી રિયાસતોમાં ચળવળમાં ગોપાળદાસે અગત્યનો ભાગ ભજવ્યો હતો. આઝાદી પછી ભારતીય સંઘમાં દેશી રિયાસતોના વિલીનીકરણમાં પણ તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો, જેના પરિણામે સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ હતી.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર, વિધાનસભા દંડક વિજયભાઈ પટેલ, વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલ તથા વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ ઉપસ્થિત રહીને દરબારસાહેબ પુષ્પ અર્પણ કર્યા હતા.