સાબરમતીના પાણીની તપાસ માટે વધુ એક સંસ્થા જોડાઈ, જાણો કઈ છે સંસ્થા શું થશે ફાયદો
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી જેમાં મહત્વપૂર્ણ લેવામાં આવ્યો. સાબરમતી નદીમાં પ્રદૂષણનો મુદ્દો હાલ ખૂબ ચર્ચામાં છે. નદીના પાણીની તપાસ માટે વધુ એક સરકારી સંસ્થાને તેમાં જોડવામાં આવી છે. જેટકો (GETCO) સાબરમતી નદીમાં પાણીની તપાસ કરશે.
એસટીપી પ્લાન્ટ અને પાણીની તપાસ જેટકો દ્વારા કરવામાં આવશે અને તેની પાછળ કોર્પોરેશન વાર્ષિક 34 લાખ રૂપિયાનો ખર્ચ કરશે. હાઈકોર્ટની ફટકાર બાદ આ કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં ટ્રાફિકની વધતી સમસ્યાને નિવારવા માટે પાર્કિંગની વિશેષ સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈની જેમ અમદાવાદના હાઈરાઈઝ બિલ્ડિંગ્સમાં પણ પોડિયમ પાર્કિંગ બનાવાશે. આ સુવિધા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને પ્રકારના બિલ્ડિંગમાં અપાશે. આ સુવિદ્યાથી રોડ-રસ્તા પર થતાં પાર્કિંગ ઘટવાની અપેક્ષા છે. 22 બિલ્ડિંગમાં આ પ્રકારના પાર્કિંગ માટે મંજૂરી આપી દેવાઈ છે.
આ સિવાય રાજ્યમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગોના નિવારણ માટે 600 લોકોના સ્ટાફને કોર્પોરેશને ઉતાર્યો છે, જે હેન્ડલ ફોગિંગ અને માસ ફોગિંગની કામગીરી કરી રહ્યા છે. ખુલ્લા મેદાનોમાં મચ્છરોનું બ્રીડિંગ ના થાય તે માટે દવાનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં દિવાળી સુધીમાં 1,239 પદો પર ભરતી કરવામાં આવશે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોના પુનર્વસન બાદ તેમનું જીવનધોરણ ઊંચું આવે તે માટે વ્યસનમુક્તિ સહિતના વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ યોજાશે.