હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની કરી આગાહી
Live TV
-
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના દરિયાકિનારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના દરિયાકિનારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. એકતરફ 29મીને રવિવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે. તો બીજીતરફ ગરબા ખેલૈયાઓ માટે વરસાદ વિઘ્ન બની શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 3 ઓક્ટોબર બાદ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે.તો ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે.ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ,સુત્રાપાડા, સહિતના ગામોમાં ફરી મેઘસવારી આવી પહોંચતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો જામનગર જિલ્લાના જોડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અડધા કલાકમાં અડધો ઇંચ જેટલો જોરદાર વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. આ સાથે લાલપુર તાલુકાના મોડપર ગામે છેલ્લા 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરમાં પણ ધીમીધારે વરસાદનું વિજળીના કડાકા સાથે આગમન થયું હતું.ભાવનગરના સિહોર તાલુકાના બુઢણા અને આજુબાજુના વિસ્તારોમાં એક કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા નદી-નાળામાં ઘોડાપૂર આવ્યુ હતું.
સિહોર તાલુકાના બુઢણા ગામમાંથી પસાર થતી ઉતાવળી નદીમાં ઘોડાપુર આવતા પાલીતાણા વાયા બુઢણા રોડ હાલ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસ અમરેલીમાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ રહી છે.હાલ શેત્રુંજી ડેમમાં 2000 ક્યુસેક પાણી આવક શરૂ થતાં સપાટી 30 ફૂટે પહોંચી છે.તો ગુજરડા સ્કેચમેન્ટમાં નવા નીર આવતા પાણી સમસ્યા હલ થશે.તો ગઢડામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.આ સાથે અમરેલીના ધારીમાં ધોધમાર વરસાદને પગલે ખોડીયારડેમ 3 ઈંચ ખોલવામાં આવ્યો છે.
દ્વારકા પંથકમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. ખંભાળીયા પંથકમાં એક કલાક 2 ઇંચ વરસાદ ખાબકતા ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા.તો અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા.અંબાજી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. તો પાટણ જિલ્લાના હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. છૂટાછવાયા વરસાદના પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું.
તો આ સાથે અમદાવાદમાં પણ બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક ગઈ હતી.