હાઈ એલર્ટ જિલ્લાઓમાં NDRF ની ટિમો તૈનાત; સ્થાનિક વહીવટી તંત્રો પણ સજ્જ
Live TV
-
તાઉતે ચક્રવાતને લઇ સબંધિત જિલ્લાઓમાં સ્થાનિક વહીવટી તંત્રો દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી, ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં કુલ 24 NDRF ટીમોને તૈનાત કરાઈ
સંભવિત તાઉતે ચક્રવાત અતિ ગંભીર સાઈક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે, જે આવનાર બે દિવસમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સબંધિત જિલ્લાઓને તકેદારીના પગલાં લેવા જણાવ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ અને મદદ ઉભી કરવામાં આવી છે. આ ચક્રવાતને ધ્યાને લઇ ભરૂચ, સુરત, મોરબી, ભાવનગર, દ્વારકા, નવસારી, દીવ, કચ્છ સહીતના જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યના મંત્રીઓને જિલ્લાઓ સોંપી ત્યાં તાત્કાલિક પહોંચી તૈયારીઓની સમીક્ષા કરવા જણાવ્યું હતું.
જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે દહેજની મુલાકાત લઈને અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. દહેજના દરિયાઇ વિસ્તારમાં , મરીન પોલીસનું સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, તેમજ દહેજના 29 થી વધુ કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડોદરા ખાતેથી આવેલ NDRF ની ટીમને ભરૂચ ખાતે એકશન મોડ પર રાખવામાં આવી છે.
બીજી બાજુ સુરત શહેરમાં ફાયર વિભાગ પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. શહેરમાં સંભવિત વાવાઝોડા સામે ફાયર વિભાગે કુલ 16 ટીમો સાધન સરંજામ સાથે સજ્જ કરી દીધી છે. એક ફાયર ટીમમાં છ ફાયરના જવાનો, લાઈફ જેકેટ, રીંગ બોયા, ઝાડ કાપવાના મશીનો સહિતના સાધનોથી સજ્જ હોય છે. આ સાથે જ એક ઈમરજન્સી કન્ટ્રોલરુમ પણ શરુ કરવામાં આવ્યો છે.
મોરબીમાં પણ નવલખી બંદરે બે નંબર સિગ્નલ મુકવામાં આવ્યું છે. તેમજ માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં NDRF ટીમો કાર્યરત કરાઈ છે. દ્વારકામાં પણ ઓખા તથા રૂપેણ બંદર અને નીચાણવાળા વિસ્તારોમાં જઇને પ્રાંત અધિકારી અને મામલતદારે માછીમાર આગેવાનો સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. જયારે નવસારીમાં પણ દરિયાકાંઠે આવેલા 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા અને ત્યાં પણ NDRF ની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
દીવ બંદરે પણ 3 નંબરનું સિગ્નલ લગાવી NDRF ની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
