CM રૂપાણીએ કર્યો જાંબુઘોડા ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમનો શુભારંભ
Live TV
-
મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે રાજ્યકક્ષાના શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નવજાત શિશુથી માંડીને 18 વર્ષ સુધીના તમામ બાળકોના આરોગ્યની તપાસ થશે અને કોઈ રોગ માલુમ પડે તો રાજ્ય સરકાર વિના મૂલ્યે સારવાર પણ આપશે.
પ્રાથમિક તપાસમાં રોગનું નિદાન થતાં અન્ય તબક્કામાં સારવાર ચાલુ રહેશે. રાજ્યભરમાં આ કાર્યક્રમ 27 નવેમ્બરથી 1 ફેબ્રુઆરી 2019 સુધી ચાલશે. આ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા, આશ્રમ શાળા, ચિલ્ડ્રન હોમ સહિતની ચાર હજાર જેટલી શૈક્ષણિક સંસ્થાને આવરી લેવાશે.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મહેસાણા શહેરની પ્રાથમિક શાળા નંબર-7 થી રાજ્યવ્યાપી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શાળા આરોગ્ય કાર્યક્રમ થકી રાજ્યના બાળકોની વિશેષ ચિંતા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત રાજ્યમાં મા-વાત્સલ્ય અને આયુષ્યમાન ભારત યોજના થકી રાજ્યના લોકોના સુખાકારી-તંદુરસ્ત જીવન માટે સરકાર કટિબદ્ધ બની છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં એક કરોડ 59 લાખ 29 હજાર 400 બાળકો જ્યારે મહેસાણા જીલ્લામાં 5 લાખ 19 હજાર 711 બાળકોની તપાસ કરવામાં આવશે તેમજ આ અભિયાનમાં નવજાત શિશુઓથી લઈ 18 વર્ષ સુધીના તમામ બાળકોની તપાસ કરવામાં આવશે.
