GTU અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિ. વચ્ચે સ્ટાર્ટઅપ માટે થયા MOU
Live TV
-
ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી તરીકે ઓળખ પામનાર (GTU) ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રને આગળ ધપાવવામાં મહત્વનું યોગદાન આપી રહી છે ત્યારે, સ્ટાર્ટઅપકર્તાને દરેક સ્તર પર મદદરૂપ થવા માટે જીટીયુ દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમો સાથે એમઓયુ કરવામાં આવે છે. જીટીયુ અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (જીવીએફએલ) વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ અને જીવીએફએલ વચ્ચે થયેલા આ એમઓયુથી અનેક વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, તેમજ ઉદ્યોગ સાહસિક લોકોને તકનીકી અને આર્થિક રીતે લાભ થશે. જીટીયુ તરફથી કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીવીએફએલ તરફથી સંસ્થાના પ્રેસિડેન્ટ મિહિર જોશી દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલના ડિરેક્ટર ડૉ. સંજય ચૌહાણ, સીઈઓ તુષાર પંચાલ, જીવીએફએલના મેનેજીંગ ડિરેક્ટર દુખબંધુ રથ અને રવિન્દર ઠાકુર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.
આ MOU દ્વારા ઔદ્યોગિક એકમોની દેખરેખ, પેટર્ન મેકિંગ, માર્કેટિંગ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને ફંડ આપવામાં આવશે. GTU દ્વારા અત્યાર સુધીમાં
409 જેટલા સ્ટાર્ટઅપને 4.75 કરોડ જેટલી આર્થિક સહાય ફાળવવામાં આવી છે. જીટીયુના સહયોગથી 142 વિદ્યાર્થીઓએ પેટન્ટ, ટ્રેડમાર્ક અને ડિઝાઇન રજીસ્ટ્રેશન કરાવેલા છે. જીટીયુ જીઆઈસી દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની મદદને કારણે અત્યાર સુધીના વિવિધ સ્ટાર્ટઅપ 16.10 કરોડની આવક કરી ચૂક્યા છે.GTU અને જીવીએફએલ વચ્ચે થયેલા આ એમઓયુ સ્ટાર્ટઅપકર્તાને અનેક સ્તરે લાભદાયી રહેશે તેવી કુલપતિએ આશા વ્યક્ત કરી છે.
