ડૉ. સવીરા પ્રકાશ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ હિન્દુ મહિલા ઉમેદવાર
Live TV
-
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) એ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં હિન્દુ મહિલા ડૉ. સવીરા પ્રકાશને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આગામી વર્ષે 8 ફેબ્રુઆરીએ 16મી નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી યોજાવાની છે.
પીપીપીએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બુનેર જિલ્લામાંથી અલ્પસંખ્યક સમુદાયમાંથી પ્રથમ મહિલા ઉમેદવાર ડૉ. સવિરા પ્રકાશને બનાવવાની જાહેરાત કરી છે. સવીરા પ્રકાશે 2022માં એબોટાબાદ ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી MBBS પૂર્ણ કર્યું. તેના ડૉક્ટર પિતા ઓમ પ્રકાશ તાજેતરમાં જ નિવૃત્ત થયા છે. તેઓ છેલ્લા 35 વર્ષથી પાર્ટીના સક્રિય સભ્ય હતા.
સવીરા પ્રકાશે 23 ડિસેમ્બરે PK-25 જનરલ સીટ પરથી પોતાનું નામાંકન પત્ર જમા કરાવ્યું છે. તે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વિમેન્સ વિંગની જનરલ સેક્રેટરી છે. નોંધનીય છે કે પાકિસ્તાનના ચૂંટણી પંચે તાજેતરમાં રાજકીય પક્ષોને કહ્યું હતું કે પાંચ ટકા સામાન્ય બેઠકો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા પડશે. નેશનલ એસેમ્બલી અને ચાર પ્રાંતીય એસેમ્બલીની 1,085 સીટો માટે ચૂંટણી યોજાશે. નેશનલ એસેમ્બલીની 266 સીટો માટે 7,713 ઉમેદવારોએ નોમિનેશન ભર્યું છે. જેમાંથી 471 મહિલાઓ છે.