પાકિસ્તાનમાં પોલીસ ટીમ પર થયો રોકેટથી ઘાતકી હુમલો, 11 પોલીસકર્મીઓનાં નીપજ્યાં મૃત્યુ
Live TV
-
લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરુવારે પોલીસકર્મીઓ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 સૈનિકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર રહીમ યાર ખાન જિલ્લામાં કેટલાક પોલીસકર્મીઓને પણ બંધક બનાવવામાં આવ્યા હતા, જ્યારે માચા પોઈન્ટ પર બે પોલીસ વાન કાદવમાં ફસાઈ ગઈ હતી. પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, “તે દરમિયાન હુમલાખોર ત્યાં પહોંચ્યા અને રોકેટ વડે હુમલો કર્યો. હુમલામાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા, જ્યારે તેમાંથી કેટલાકને બંધક બનાવવામાં આવ્યા હતા અને બાકીના ઘાયલ થયા હતા.
સીએમ મરિયમ નવાઝે કડક વલણ દાખવ્યું
પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે પોલીસકર્મીઓ પર હુમલાને લઈને કડક વલણ દાખવ્યું છે. સીએમ મરિયમે આઈજી પોલીસ ડૉ. ઉસ્માન અનવરને બંધક બનાવવામાં આવેલા પોલીસકર્મીઓને બચાવવા માટે ઑપરેશન શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓને સાંખી લેવામાં આવશે નહીં.
નિશાના પર પોલીસકર્મી
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સરહદી સુરક્ષા ચોકી પર અફઘાનિસ્તાનના આતંકવાદીઓ મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ પાકિસ્તાની સુરક્ષા જવાનો માર્યા ગયા હતા. આ પહેલા ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સ્ટેશન ઈન્ચાર્જ સહિત બે પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના આતંકવાદ પ્રભાવિત લક્કી મારવત જિલ્લામાં બરગઈ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. હુમલા પહેલા આતંકીઓ પોલીસ સ્ટેશનની નજીક સ્થિત એક ઘરમાં છુપાયેલા હતા.