પ્રધાનમંત્રી મોદીએ G-20 સંમેલનમાં બીજા દિવસે જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ પર ભાર મૂક્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ પર ભાર મૂક્યો છે. આજે બાલીમાં G-20 સમિટના બીજા દિવસે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ત્રીજા કાર્યકારી સત્રમાં, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે ભારત ડિજિટલ ટેક્નોલોજીના લાભો દરેક માટે સુલભ બનાવવા માટે જૂથના દેશો સાથે કામ કરશે. તેમણે કહ્યું કે G-20ના ભારતના અધ્યક્ષપદ દરમિયાન વિકાસ માટેનો ડેટા મહત્વપૂર્ણ ઘટક હશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિશ્વના નેતાઓએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આગામી દસ વર્ષમાં દરેક માનવીના જીવનમાં ડિજિટલ પરિવર્તન આવે, જેથી વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ ડિજિટલ ટેક્નોલોજીના લાભોથી વંચિત ન રહે. તેમણે કહ્યું કે આ સપનું ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે ડિજિટલ સુવિધા ખરેખર સર્વસમાવેશક અને વ્યાપક હોય. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આપણા યુગનું સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન છે. તેમણે કહ્યું કે ડિજિટલ ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ ગરીબી અને આબોહવા પરિવર્તન સામે દાયકાઓથી ચાલી રહેલી વૈશ્વિક લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ભારતમાં ડિજિટલ પરિવર્તનના પ્રયાસો અંગે નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોનો દેશનો અનુભવ દર્શાવે છે કે સમાવિષ્ટ ડિજિટલ પ્રયાસો દ્વારા સામાજિક અને આર્થિક પરિવર્તન લાવી શકાય છે. તેમણે કહ્યું કે ડિજિટલ ઉપયોગથી શાસનમાં પારદર્શિતા વધી શકે છે અને તેને વ્યાપક બનાવી શકાય છે. ભારતે ડિજિટલ સાર્વજનિક ચીજવસ્તુઓ વિકસાવી છે જેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેશના પોતાના લોકશાહી સિદ્ધાંતો પર આધારિત છે. યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ-યુપીઆઈનું ઉદાહરણ આપતાં વડાપ્રધાને કહ્યું કે ગયા વર્ષે વિશ્વની 40 ટકાથી વધુ રીઅલ-ટાઇમ પેમેન્ટ્સ અને લેવડદેવડ UPI દ્વારા થઈ હતી. તેમણે કહ્યું કે દેશમાં ડિજિટલ ઓળખના આધારે 46 કરોડ નવા બેંક ખાતા ખોલવામાં આવ્યા, જેનાથી ભારત નાણાકીય સમાવેશમાં વિશ્વમાં અગ્રેસર બન્યું. તેમણે કહ્યું કે મોટાભાગના વિકાસશીલ દેશોના નાગરિકો પાસે કોઈપણ પ્રકારની ડિજિટલ ઓળખ નથી અને માત્ર 50 દેશોમાં જ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે.
