વિદેશ મંત્રી જયશંકરે જાપાનમાં રાયસીના રાઉન્ડ ટેબલ કાર્યક્રમને સંબોધિત કર્યો
Live TV
-
વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર અત્યારે જાપાનના પ્રવાસે છે. જાપાન પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રીએ રાયસીના રાઉન્ડટેબલ એટ- ટોકિયોમાં ભાગ લીધો હતો. આ સંમેલન ભારત અને જાપાન વચ્ચે ટ્રેક 2 લેવડદેવડને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. વિદેશ મંત્રીએ આજે ભારત અને જાપાન વચ્ચેના સંબંધોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે વૈશ્વિક વ્યવસ્થાના પડકારોનો સામનો કરવા માટે બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી છે. જાપાનના ટોક્યોમાં ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રાયસીના રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું કે અવિકસિત દેશોના અવાજ તરીકે ભારત તેની જવાબદારી સમજે છે અને આ અંતર્ગત વિવિધ ખંડોના 78 દેશોમાં વિકાસ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.
લાલ સમુદ્રમાં કાર્ગો જહાજો પર યમનના હુથી સંગઠન દ્વારા તાજેતરના હુમલાઓનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે દરિયાઈ સુરક્ષા એ ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે વ્યાપક ક્ષેત્રના લાભ માટે બંને દેશોની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું હતું.વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત તેના પૂર્વ અને પશ્ચિમ બંનેમાં મોટા કોરિડોર પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે બંને દેશો પારદર્શક અને પરસ્પર આદાનપ્રદાનની જરૂરિયાત અંગે સમાન વિચાર ધરાવે છે. વિદેશ મંત્રીએ કહ્યું કે મુક્ત, ખુલ્લી, પારદર્શક અને નિયમો આધારિત સિસ્ટમની તરફેણમાં સંતુલન બંને દેશોના સામાન્ય હિતમાં છે.
ડૉ. જયશંકર જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવા સાથે ભારત-જાપાનના વિદેશ મંત્રી-સ્તરના વ્યૂહાત્મક સંવાદમાં ભાગ લેવા ટોક્યોની બે દિવસની મુલાકાતે છે. વિદેશ મંત્રી દક્ષિણ કોરિયાની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરીને જાપાન પહોંચી ગયા છે. કોરિયામાં તેમના રોકાણ દરમિયાન તેઓ ટોચના નેતાઓને મળ્યા હતા.