શ્રીલંકાનું અર્થતંત્ર ઝડપથી જોમવંતુ બને તે હેતુથી ત્યાં મુડી રોકાણ વધારવા ભારત પ્રતિબધ્ધ
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે મુશ્કેલ સમયમાં ભારત શ્રીલંકાની પડખે ઉભું રહ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતે કોઈપણ ધિરાણકર્તાની રાહ જોયા વિના સક્રિય પગલાં લીધાં છે અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળને નાણાકીય ખાતરી આપી છે. શ્રીલંકાની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન ડૉ. જયશંકરે કહ્યું હતું કે ભારત એક વિશ્વસનીય પાડોશી અને વિશ્વાસપાત્ર ભાગીદાર છે જે દરેક સંજોગોમાં તેમની પડખે રહે છે. આ જાહેરાત સાથે, ભારત દેવું પુનઃરચના માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને ખાતરી આપનારો પ્રથમ લેણદાર દેશ બન્યો છે. શ્રીલંકા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી બેલઆઉટ પેકેજ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અગાઉ ડૉ. જયશંકરે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી હતી. ભારતીય મૂળના તમિલોની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત પર ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું કે ભારત શ્રીલંકાના ઊર્જા, પર્યટન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય ક્ષેત્રોમાં વધુ રોકાણકારોને પ્રોત્સાહિત કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ત્રિંકોમાલી એક મહત્વપૂર્ણ હબ તરીકે ઉભરી આવશે અને ભારત આવી પહેલોમાં શ્રીલંકાને સમર્થન આપશે. વિદેશ મંત્રીએ જાહેરાત કરી કે બંને દેશો રિન્યુએબલ એનર્જી ફ્રેમવર્ક પર સૈદ્ધાંતિક રીતે સહમત થયા છે.
ડૉ. જયશંકરે સામાજીક-આર્થિક વિકાસ પર ઉચ્ચ પ્રભાવ ધરાવતા સામુદાયિક વિકાસ કાર્યક્રમો પર એક એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. શ્રીલંકાના વિદેશ મંત્રીએ ગયા વર્ષે સમયસર આપવામાં આવેલી સહાય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે ઋણ પુનઃરચના માટે આપવામાં આવેલી ખાતરી માટે ભારતનો પણ આભાર માન્યો હતો.
