Skip to main content
Settings Settings for Dark

આકાશવાણી પરથી આજે પ્રધાનમંત્રીએ 'મન કી બાત' કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કર્યા

Live TV

X
  • પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કર્યા. આજે આપણા પૂજય બાપુ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે. 30 જાન્યુઆરીનો આ દિવસ આપણને બાપુના ઉપદેશોની પણ યાદ અપાવે છે. હજી થોડા દિવસ પહેલાં જ આપણે ગણતંત્ર દિવસ પણ ઉજવ્યો. દિલ્હીમાં રાજપથ પર આપણે દેશના શૌર્ય અને સામર્થ્યની જે ઝલક જોઇ તેણે સૌને ગર્વ અને ઉત્સાહથી ભરી દીધા છે. આ વખતે તમે એક બદલાવ જોયો હશે. હવે પ્રજાસત્તાક દિવસ સમારંભ 23 જાન્યુઆરી એટલે કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિથી શરૂ થશે અને 30 જાન્યુઆરી સુધી એટલે કે, ગાંધીજીની પુણ્યતિથિ સુધી ચાલશે. ઇન્ડિયા ગેટ પર નેતાજીની ડિજીટલ પ્રતિમા પણ સ્થાપિત કરી દેવાઇ છે.  આ બાબતનું જે રીતે દેશે સ્વાગત કર્યું, દેશના ખૂણેખૂણાથી આનંદનું જે મોજું ફરી વળ્યું, દરેક દેશવાસીએ જે પ્રકારની ભાવનાઓ પ્રગટ કરી તેને આપણે કયારેય ભૂલી નહીં શકીએ.

    આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયાસોના માધ્યમથી પોતાના રાષ્ટ્રીય પ્રતિકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યો છે. તેમણે કહ્યું કે ઇન્ડિયા ગેટને અડીને “અમર જવાન જયોતિ” છે અને નજીકમાં જ “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર પ્રજ્જવલિત જયોત છે તેને એક કરી દેવામાં આવી છે. આ ભાવુક અવસરે કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” માં આઝાદી પછી શહીદ થયેલા દેશના તમામ વીરોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સેનાના કેટલાક ભૂતપૂર્વ જવાનોએ મને પત્ર લખીને કહ્યું છે કે, “શહીદોની સ્મૃતિની સામે પ્રજ્જવલિત થઇ રહેલી અમર જવાન જયોતિ શહીદોના અમરત્વનું પ્રતિક છે.” ખરેખર “અમર જવાન જયોતિ”ની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમનું યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહીશ કે, જયારે પણ તક મળે “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર જરૂર જજો. પોતાના પરિવાર અને બાળકોને પણ ચોકક્સ લઇ જજો. ત્યાં તમને એક અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.

    અમૃત મહોત્સવના આ આયોજનોની વચ્ચે દેશમાં કેટલાયે મહત્વના રાષ્ટ્રીય પુરસ્કારો પણ આપવામાં આવ્યા. તેમાંનો એક છે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. આ પુરસ્કાર એવા બાળકોને મળ્યા, જેમણે નાની ઉંમરમાં જ સાહસિક અને પ્રેરણાદાયક કામ કર્યું છે. આપણે બધાંએ પોતાના ઘરમાં આ બાળકો વિશે જરૂર જણાવવું જોઇએ. તેનાથી આપણાં બાળકોને પણ પ્રેરણા મળશે અને તેમનામાં દેશનું નામ રોશન કરવાનો ઉત્સાહ જાગશે. દેશમાં હમણાં જ પદ્મપુરસ્કારોની પણ જાહેરાત થઇ છે. પદ્મપુરસ્કાર મેળવનારામાં કેટલાંય એવા નામ પણ છે જેમના વિશે બહુ ઓછાં લોકો જાણે છે. આ આપણા દેશના unsung heroes છે. જેમણે સાધારણ સંજોગોમાં પણ અસાધારણ કામ કર્યું છે. જેમ કે, ઉત્તરાખંડના બસંતી દેવીજીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બસંતી દેવીએ તેમનું પૂરૂં જીવન સંઘર્ષોની વચ્ચે વિતાવ્યું. નાની ઉંમરમાં જ તેમના પતિનું અવસાન થઇ ગયું હતું અને તેઓ એક આશ્રમમાં રહેવા લાગ્યાં. ત્યાં રહીને તેમણે નદીને બચાવવા માટે સંઘર્ષ કર્યો અને પર્યાવરણ માટે અસાધારણ યોગદાન આપ્યું. તેમણે મહિલાઓના સશક્તિકરણ માટે પણ ઘણું કામ કર્યું છે. આ રીતે જ મણિપુરના ૭૭ વર્ષના લૌરેમ્બમ બીનો દેવી દાયકાઓથી મણિપુરની લીબા વસ્ત્રકળાનું સંરક્ષણ કરી રહ્યા છે. તેમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના અર્જુનસિંહને બૈગા આદિવાસી નૃત્યની કળાને ઓળખ અપાવવા માટે પદ્મ સન્માન મળ્યું છે. પદ્મ સન્માન મેળવનારા વધુ એક મહાનુભાવ છે શ્રીમાન અમાઇ મહાલિંગા નાઇક. તેઓ એક ખેડૂત છે. અને કર્ણાટકના નિવાસી છે. તેમને કેટલાક લોકો ટનલ મેન પણ કહે છે. તેમણે ખેતીમાં એવા એવા નવીનીકરણ કર્યા છે, જેને જોઇને કોઇપણ દંગ રહી જાય. તેમના પ્રયાસોનો બહુ મોટો લાભ નાના ખેડૂતોને થઇ રહ્યો છે. આવા બીજા પણ કેટલાય unsung heroes(અસ્તુત્ય નાયકો) છે. દેશે તેમના યોગદાન માટે જેમને સન્માનિત કર્યા છે. આપ તેમના વિષે જાણવાની પણ ચોક્કસ કોશિશ કરજો. તેમનાથી આપણને જીવનમાં ઘણુંબધું શીખવા મળશે.

    અમૃત મહોત્સવ વિશે તમે બધા સાથીઓ મને ઢગલાબંધ પત્રો અને સંદેશા મોકલો છો, અનેક સૂચનો કરો છે. આ શ્રેણીમાં કંઇક એવું થયું છે, જે મારા માટે અવિસ્મરણીય છે. એક કરોડથી વધુ બાળકોએ મને પોતાની મન કી બાત પોસ્ટકાર્ડ દ્વારા લખી મોકલી છે. આ એક કરોડ પોસ્ટકાર્ડ દેશના, જુદાંજુદાં ભાગમાંથી આવ્યા છે, વિદેશથી પણ આવ્યા છે. તેમાંથી ઘણા પોસ્ટકાર્ડ મેં સમય કાઢીને વાંચવાનો પ્રયત્ન કર્યો છે. આ પોસ્ટકાર્ડઝમાં એ બાબતનું દર્શન થાય છે કે દેશના ભવિષ્ય માટે આપણી નવી પેઢીની વિચારસરણી કેટલી વ્યાપક અને કેટલી વિશાળ છે. મેં મન કી બાતના શ્રોતાઓ માટે કેટલાક પોસ્ટકાર્ડ અલગ તારવ્યા છે જેને હું તમારી સાથે શેર કરવા માંગું છું. જેમ કે આ એક, આસામના ગુવાહાટીથી રિધ્ધિમા સ્વર્ગિયારીનું પોસ્ટકાર્ડ છે. રિધ્ધિમા સાતમા ધોરણની વિદ્યાર્થિની છે, અને તેમણે લખ્યું છે કે, આઝાદીના એકસોમા વર્ષમાં તેઓ એક એવું ભારત જોવા ઇચ્છે છે જે દુનિયાનો સૌથી સ્વચ્છ દેશ હોય, આતંકવાદથી સંપૂર્ણપણે મુક્ત હોય, સો ટકા સાક્ષરદેશોમાં સામેલ હોય, અકસ્માત મુક્ત દેશ હોય, અને ટકાઉ ટેકનોલોજીથી અન્ન સલામતીમાં સક્ષમ હોય. રિધ્ધિમા, આપણી દીકરીઓ જે વિચારે છે, જે સપના દેશ માટે જુએ છે, તે તો પૂરા થાય છે જ. જયારે સૌના પ્રયત્નો જોડાશે, તમારી યુવાપેઢી તેને લક્ષ્ય બનાવીને કામ કરશે, તો તમે ભારતને જેવું બનાવવા ઇચ્છો છો, તેવું ચોક્કસ બનશે. એક પોસ્ટકાર્ડ મને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની નવ્યા વર્માનો પણ મળ્યો છે. નવ્યાએ લખ્યું છે કે, તેમનું સપનું 2047માં એવા ભારતનું છે, જયાં બધાને સન્માનપૂર્ણ જીવન મળે, જયાં ખેડૂત સમૃદ્ધ હોય અને ભ્રષ્ટાચાર ન હોય. નવ્યા દેશ માટેનું તમારૂં સપનું બહું વખાણવાલાયક છે. આ દિશામાં દેશ ઝડપથી આગળ પણ વધી રહ્યો છે. તમે ભ્રષ્ટાચારમુક્ત ભારતની વાત કરી. ભ્રષ્ટાચાર તો ઉધઇની જેમ દેશને પોલો કરી નાંખે છે. તેનાથી મુક્તિ માટે 2047 ની રાહ શા માટે જોવી ? આ કામ આપણે સૌ દેશવાસીઓએ, આજની યુવાપેઢીએ મળીને કરવાનું છે, બને તેટલું જલ્દી કરવાનું છે. અને એ માટે બહુ જરૂરી છે કે આપણે આપણા કર્તવ્યોને પ્રાથમિકતા આપીએ. જયાં ફરજ નિભાવવાનો અહેસાસ થાય છે. કર્તવ્ય સર્વોપરી હોય છે. ત્યાં ભ્રષ્ટાચાર ફરકી પણ નથી શકતો.

    સાથીઓ, ભારતની આઝાદીના અમૃત મહોત્સવનો ઉત્સાહ કેવળ આપણા દેશમાં જ નથી. મને ભારતના મિત્ર દેશ ક્રોએશિયાથી પણ ૭૫ પોસ્ટકાર્ડ મળ્યા છે. ક્રોએશિયાના જાગ્રેબમાં School of Applied Arts and Design ના વિદ્યાર્થીઓએ આ ૭૫ કાર્ડઝ ભારતના લોકો માટે મોકલ્યા છે અને અમૃત મહોત્સવના અભિનંદન આપ્યા છે. હું આપ સૌ દેશવાસીઓ તરફથી ક્રોએશિયા અને ત્યાંના લોકોને ધન્યવાદ આપું છું.

    શિક્ષણ માટેની જાગૃતિ સમાજમાં દરેક સ્તરે જોવા મળી રહી છે. તમિલનાડુના તિરૂપુર જીલ્લાના ઉદુમલપેટ બ્લોકમાં રહેતા તાયમ્મલજીનું ઉદાહરણ તો ખૂબ જ પ્રેરણાદાયક છે. તાયમ્મલજીની પાસે પોતાની કોઇ જમીન નથી. વર્ષોથી તેમનો પરિવાર નાળિયેર પાણી વેચીનો પોતાનું ગુજરાન ચલાવે છે. આર્થિક સ્થિતિ ભલે સારી ન હોય પરંતુ તાયમ્મલજીએ તેમના દીકરાદીકરીને ભણાવવામાં કોઇ કસર બાકી રાખી નથી. તેમના સંતાનો ચિન્નવિરમપટ્ટી પંચાયતની યુનિયન મિડલ સ્કૂલમાં ભણતા હતા. એમ જ એક દિવસ શાળામાં વાલીઓ સાથેની મિટીંગમાં વાત આવી કે વર્ગો અને શાળાની સ્થિતિ સુધારવામાં આવે, શાળાનું આંતરમાળખું સારૂં કરવામાં આવે. તાયમ્મલજી પણ આ વાલીમીટીંગમાં હતા. તેમણે બધું સાંભળ્યું. આ બેઠકમાં ફરી ચર્ચા તે કામો માટે પૈસાની ખેંચ પર આવીને અટકી ગઇ. ત્યાર બાદ તાયમ્મલજીએ જે કર્યું તેની કલ્પના કોઇ કરી શકે તેમ નહોતું. જે તાયમ્મલજીએ નાળિયેર પાણી વેચીને થોડી મૂડી એકઠી કરી હતી. તેમણે એક લાખ રૂપિયા સ્કૂલ માટે દાન કરી દીધા. ખરેખર આવું કરવા માટે બહુ મોટું દિલ જોઇએ. સેવાભાવ જોઇએ. તાયમ્મલજીનું કહેવું છે કે, હજી જે શાળા છે, તેમાં આઠમા ધોરણ સુધીનું જ શિક્ષણ અપાય છે. હવે જ્યારે શાળાનું આંતરમાળખું સુધરી જશે તો અહીંયા ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ મળવા લાગશે. આપણા દેશમાં શિક્ષણ વિશે આ એ જ ભાવના છે જેની હું ચર્ચા કરી રહ્યો હતો. મને આઇ.આઇ.ટી. બી.એચ.યુ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના આ રીતના દાન વિશે પણ જાણવા મળ્યું છે. બી.એચ.યુ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી જય ચૌધરીજીએ આઇ.આઇ.ટી. બી.એચ.યુ. ફાઉન્ડેશનને દસ લાખ ડોલર એટલે કે લગભગ સાડા સાત કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

    પ્રકૃતિને પ્રેમ અને જીવ માત્ર માટે કરૂણા એ આપણી સંસ્કૃતિ પણ છે અને સહજ સ્વભાવ પણ છે આપણા આ સંસ્કારોની ઝલક હમણાં તાજેતરમાં જ ત્યારે જોવા મળી જયારે મધ્યપ્રદેશના પેંચ વાઘ અભ્યારણ્યમાં એક વાઘણે દુનિયાને અલવિદા કરી દીધી. આ વાઘણને લોકો કોલર વાળી વાઘણ કહેતા હતા. વન વિભાગે તેને ટી-15 નામ આપ્યું હતું. આ વાઘણના મૃત્યુએ લોકોને એટલા ભાવુક બનાવી દીધા, જાણે તેમનું કોઇ સ્વજન દુનિયા છોડી ગયું હોય. લોકોએ રીતસર તેના અંતિમ સંસ્કાર કર્યા, તેને પૂરા સન્માન અને સ્નેહ સાથે વિદાઇ આપી. તમે પણ આ તસ્વીરો સોશિયલ મીડિયામાં જરૂર જોઇ હશે. પૂરી દુનિયામાં પ્રકૃતિ અને જીવો માટે આપણા, ભારતીયોના આ પ્રેમની ખૂબ પ્રશંસા થઇ. કોલરવાળી વાઘણે તેના જીવનકાળમાં 29 બચ્ચાંને જન્મ આપ્યો અને ૨૫ને પાળી પોષીને મોટાં પણ કર્યાં. આપણે ટી-15ના આ જીવનને પણ ઉજવ્યું અને તેણે જયારે દુનિયા છોડી તો તેને ભાવસભર વિદાઇ પણ આપી. આ જ તો ભારતના લોકોની ખૂબી છે. આપણે દરેક ચેતન જીવ સાથે પ્રેમનો સંબંધ બનાવી લઇએ છીએ. એવું જ એક દ્રશ્ય આપણને આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ જોવા મળ્યું. આ પરેડમાં રાષ્ટ્રપતિના અંગરક્ષકોના ચાર્જર ઘોડા વિરાટે પોતાની આખરી પરેડમાં ભાગ લીધો. આ ઘોડો વિરાટ, 2003માં રાષ્ટ્રપતિભવન આવ્યો હતો અને દરેક વખતે પ્રજાસત્તાક દિવસે કમાન્ડન્ટ ચાર્જરના રૂપમાં પરેડની આગેવાની લેતો હતો. જયારે કોઇ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષનું રાષ્ટ્રપતિભવનમાં સ્વાગત થયું હતું, ત્યારે પણ તે પોતાની આ ભૂમિકા નિભાવતો હતો. આ વર્ષે સેના દિવસે એ અશ્વ વિરાટને સેના પ્રમુખ દ્વારા સેનાધ્યક્ષ પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યું. વિરાટની વિરાટ સેવાઓને જોઇને તેની સેવાનિવૃત્તિ પછી એટલી જ ભવ્ય રીતે તેને વિદાઇ આપવામાં આવી.

    મન કી બાતમાં આપણે અગાઉ આ વિષયો પર ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે હું આપને આર્જેન્ટીનામાં ફરકી રહેલા ભારતીય સંસ્કૃતિના ધ્વજ વિષે વાત કરીશ. આર્જેન્ટીનામાં આપણી સંસ્કૃતિને ખૂબ પસંદ કરવામાં આવે છે. 2018 માં મેં આર્જેન્ટીનાની મારી મુલાકાત દરમિયાન યોગના કાર્યક્રમમાં - શાંતિ માટે યોગમાં ભાગ લીધો હતો. અહીં આર્જેન્ટીનામાં એક સંસ્થા છે - હસ્તિનાપુર ફાઉન્ડેશન. આ ફાઉન્ડેશન આર્જેન્ટીનામાં ભારતીય વૈદિક પરંપરાઓના પ્રસારમાં વ્યસ્ત છે. તેના સ્થાપના 40 વર્ષ પહેલાં એક મહિલા પ્રોફેસર એડા અલબ્રેસ્ટે કરી હતી. આજે પ્રોફેસર એડા અલબ્રેસ્ટ 90 વર્ષના થવા જઇ રહ્યા છે. ભારતની સાથે એમનો લગાવ કેવી રીતે થયો તે પણ ખૂબ રસપ્રદ છે. તેઓ જયારે 18 વર્ષના હતા ત્યારે પહેલીવાર ભારતીય સંસ્કૃતિની શક્તિનો તેમને પરિચય થયો. તેમણે ભારતમાં સારો એવો સમય વિતાવ્યો. ભગવદગીતા અને ઉપનિષદો વિષે ઉંડાણથી અભ્યાસ કર્યો. આજે હસ્તિનાપુર ફાઉન્ડેશનના 40 હજારથી વધુ સભ્યો છે અને આર્જેન્ટીના તથા અન્ય લેટિન અમેરિકી દેશોમાં તેની લગભગ 30 શાખાઓ છે. હસ્તિનાપુર ફાઉન્ડેશને સ્પેનિશ ભાષામાં 100 થી વધુ વૈદિક અને દાર્શનિક ગ્રંથ પણ પ્રકાશિત કર્યા છે. તેમનો આશ્રમ પણ ખૂબ મનમોહક છે. આશ્રમમાં 12 મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં અનેક દેવીદેવતાઓની મૂર્તિઓ છે. આ બધાના કેન્દ્રમાં એક એવું મંદિર પણ છે તે અદ્વૈતવાદી ધ્યાન માટે બનાવવામાં આવ્યું છે.

    મણિપુરમાં 24 વર્ષના યુવાન થૌનાઓજમ નિંરજોય સિંહે એક મિનિટમાં 109 પુશ-અપ્સ કરીને વિક્રમ સર્જયો છે. નિરંજોય સિંહ માટે વિક્રમ તોડવો કોઇ નવી વાત નથી. તેમણે આ અગાઉ પણ એક મિનિટમાં એક હાથથી સૌથી વધુ નકલ પુશ-અપ્સનો વિક્રમ રચ્યો હતો. મને પૂરો વિશ્વાસ છે કે નિરંજોય સિંહથી તમે પ્રેરિત થશો અને શારીરિક તંદુરસ્તીને તમારા જીવનનો હિસ્સો બનાવશો.

    આજે હું તમને લદ્દાખની એક એવી જાણકારી આપવા માંગું છું તે જેના વિશે જાણીને તમને ચોક્કસ ગર્વ થશે. લદ્દાખને બહુ જલ્દી એક શાનદાર ઓપન સિન્થેટીક ટ્રેક અને એસ્ટ્રો ટર્ફ ફૂટબોલ સ્ટેડિયમની ભેટ મળવાની છે. આ સ્ટેડિયમ દસ હજાર ફૂટથી વધુ ઉંચાઇએ બની રહ્યું છે અને તેનું નિર્માણ જલદી પૂરૂં થવામાં છે. લદ્દાખનું આ સૌથી મોટું ખુલ્લું સ્ટેડિયમ હશે, જયાં 30 હજાર દર્શકો એક સાથે બેસી શકશે. લદ્દાખના આ આધુનિક ફૂટબોલ સ્ટેડિયમમાં આઠ લેન વાળો એક સિન્થેટીક ટ્રેક પણ હશે. આ ઉપરાંત ત્યાં એક હજાર પથારીવાળી એક છાત્રાલયની સગવડ પણ હશે. આ સ્ટેડિયમને ફૂટબોલની સૌથી મોટી સંસ્થા ફીફાએ પણ પ્રમાણિત કર્યું છે. રમતગમતનું આવું કોઇ મોટું આંતરમાળખું જયારે પણ તૈયાર થાય છે, તો તે દેશના યુનાવો માટે સર્વોત્તમ તકો લઇને આવે છે. સાથોસાથ જયાં વ્યવસ્થા થાય છે ત્યાં પણ દેશભરના લોકોની આવનજાવન થતી હોય છે. પ્રવાસનને પ્રોત્સાહન મળે છે અને રોજગારીની અનેક તકોનું સર્જન થાય છે. લદ્દાખના અનેક યુવાનોને પણ આ સ્ટેડિયમનો લાભ થશે.

    કોરોનાની નવી લહેર સામે ભારત બહુ સફળતાપૂર્વક લડી રહ્યો છે અને એ પણ ગર્વની વાત છે કે, અત્યારસુધીમાં લગભગ સાડા ચાર કરોડ બાળકોએ કોરોના રસીનો ડોઝ લઇ લીધો છે. એનો અર્થ એ થયો કે 15 થી 18 વર્ષની વય શ્રેણીના લગભગ 60 ટકા તરૂણોએ 3 થી 4 અઠવાડિયામાં જ રસી લઇ લીધી છે. તેનાથી આપણા યુવાનોની માત્ર રક્ષા જ નહીં થાય પરંતુ તેમનો અભ્યાસ ચાલુ રાખવામાં પણ મદદ મળશે. વધુ એક સારી વાત એ છે કે, 20 દિવસના સમયમાં જ એક કરોડ લોકોએ પ્રિકોશન ડોઝ પણ લઇ લીધો છે. આપણા દેશની રસી પર દેશવાસીઓનો ભરોસો આપણી બહુ મોટી તાકાત છે. હવે તો કોરોનાનો ચેપ લાગવાના કેસ પણ ઓછા થવાના શરૂ થઇ ગયા છે – આ ખૂબ હકારાત્મક સંકેત છે. લોકો સલામત રહે, દેશની આર્થિક પ્રવૃતિઓની ગતિ યથાવત રહે. તે જ દરેક દેશવાસીની કામના છે. સ્વચ્છતા અભિયાનને આપણે ભૂલવાનું નથી, સિંગલ યુઝ પ્લાસ્ટીક વિરૂદ્ધના અભિયાનમાં આપણે વધુ ઝડપ લાવવી જરૂરી છે, વોકલ ફોર લોકલ ના મંત્ર એ આપણી જવાબદારી છે, આપણે આત્મનિર્ભર ભારત અભિયાન માટે ખરા દિલથી જોડાઇ રહેવાનું છે. આપણા સૌના પ્રયાસોથી જ દેશ, વિકાસની નવી ઉંચાઇએ પહોંચશે. એ જ મનોકામના પ્રધાનમંત્રીએ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply