ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ, ગુજરાતમાં બે દિવસમાં ઠંડી વધશે
Live TV
-
હાલ ગુજરાતમાં ડિસેમ્બર માસમાં પણ ઠંડીનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે. રાજ્યમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી. 48 કલાક બાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. કચ્છના નલિયામાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગાંધીનગરમાં તાપમાન 14.9 ડિગ્રી સેલ્સિયસ હતું. આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે.
શિયાળાની ઋતુને લઈ દેશના ઘણા પ્રદેશોમાં તાપમાન ગગડ્યું છે. આજે સવારથી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ધુમ્મસની સમસ્યામાંથી રાહત મળી છે, પરંતુ આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. દરમિયાન, પંજાબ અને હરિયાણાના હવામાન વિભાગે ચંદીગઢ કેન્દ્ર દ્વારા કોલ્ડ વેવને કારણે બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
વધતી ઠંડીના કારણે પંજાબ સરકારે રાજ્યમાં શાળાઓ ખોલવાના સમયમાં ફેરફાર કર્યો છે. તો, કાશ્મીરમાં ઠંડીનું મોજું યથાવત છે. મેદાની પ્રદેશોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બિહારમાં પણ શિયાળાની અસર જોવા મળી રહી છે. યુપીમાં વધતા ધુમ્મસના કારણે સર્જાયેલી દુર્ઘટનાને જોતા માર્ગ પરિવહને ગઈકાલથી બસ સેવા બંધ કરી દીધી છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીની અસર સામાન્ય છે.
