'એક દેશ એક રેશનકાર્ડ' યોજના હેઠળ લાભાર્થીઓને લાભ મેળવવામાં થઇ સરળતા, દેશમાં 81 કરોડથી વધુ લોકોને થઇ રહ્યું છે વિનામૂલ્યે અન્ન વિતરણ
Live TV
-
રાજ્યમાં સુચારુ આયોજન સાથે ગોઠવાઇ છે અન્ન વિતરણ વ્યવસ્થા, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાજ્યના 3.40 કરોડ લોકોને મળી રહ્યો છે વિનામૂલ્યે અન્નનો લાભ
દેશમાં ઉભા થયેલા કોરોના સંકટને નાથવામાં નિર્ણાયક પગલાં લઇ રહેલ ભારત સરકારે દેશના કરોડો ગરીબ અને આર્થિક રીતે પછાત લોકોના ભરણ પોષણની પણ ચિંતા સેવી છે. આવા જરૂરિયાતમંદ લોકોને બે ટંક પૂરતું જમાવાનું મળી રહે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એપ્રિલથી જૂન મહિના સુધી એટલે કે ત્રણ માસ સુધી વિનામૂલ્યે અન્ન વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના ભાગરૂપે જૂન માસમાં પણ સતત ત્રીજા મહિને દેશના 81 કરોડથી વધુ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે અન્ન વિતરણ કરાઇ રહ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ વિનામૂલ્યે અન્નના લાભથી કોઇ લાભાર્થી વંચિત ન રહી જાય તે માટે ભારત સરકારે 'એક દેશ એક રેશનકાર્ડ' યોજનાને 1 જૂન 2020થી અમલમાં મૂકી છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા મંત્રીશ્રી રામવિલાસ પાસવાને આ અંગેની ઘોષણા કરી હતી.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થાનું રાષ્ટ્રવ્યાપી સંકલન કરીને આ યોજનાને અમલમાં મૂકી છે. દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત મૂજબ આ એક દેશ એક રેશનકાર્ડ યોજના હેઠળ એક કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ 23 જેટલા રાજ્યોના લાભાર્થીઓને જોડી દેવામાં આવ્યાં છે. આ રીતે 1 જૂન 2020 સુધીમાં દેશના 83 ટકા લાભાર્થીઓ જોડાઇ ગયા છે. આવનાર માર્ચ 2021 સુધીમાં 100 ટકા લાભાર્થી આ યોજના સાથે જોડાઇ જશે. આ યોજનાને લીધે હવે દેશનો કોઇપણ નાગરિક દેશના કોઇપણ રાજ્યમાંથી કોઇપણ સ્થળેથી તેને મળતા અન્નનો લાભ પ્રાપ્ત કરી શકશે. વર્તમાન સમયમાં આ યોજનાને અમલમાં મૂકવાથી પ્રવાસી શ્રમિકોને તેનો ઘણો લાભ મળી રહ્યો છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરી ચૂકેલા શ્રમિકોને હાલમાં થઇ રહેલ અન્ન વિતરણમાં તેમનો લાભ તેઓ જે સ્થળે છે તે જ સ્થળે મેળવી રહ્યાં છે.
ગુજરાત રાજ્યમાં પણ 15 જૂનથી શરુ થયેલા વિનામૂલ્યે અન્ન વિતરણમાં એક દેશ એક રેશનકાર્ડ યોજનાનો અમલ શરૂ કરી દેવાયો છે. જે અંતર્ગત NFSA રેશનકાર્ડ ધરવાવતાં પરપ્રાંતીય નાગરિકો હોય કે પછી રાજ્યના નાગરિકો તેઓ રાજ્યની 17 હજારથી વધુ સસ્તા અનાજની દૂકાનો પૈકી ગમે તે દુકાનેથી અન્ન પૂરવઠો પ્રાપ્ત કરી શકે છે. રાજ્યના NFSA રેશનકાર્ડ ધારકો કોઇ પણ જિલ્લામાંથી કાર્ડ કઢાવ્યું હોય તો પણ રાજ્યની કોઇપણ સસ્તા અનાજની દુકાનમાંથી પોતાનો અન્ન પુરવઠો મેળવી રહ્યાં છે. આપણા રાજ્યમાં 68 લાખથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોને સતત ત્રીજા મહિને જુન મહિનામાં તેમને મળવાપાત્ર અન્ન ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણ કરાઇ રહ્યું છે. જેમાં વ્યક્તિદીઠ 3.5 કિલોગ્રામ ઘઉં, 1.5 કિલોગ્રામ ચોખા અને કાર્ડદીઠ 1 કિલોગ્રામ ચણા વિનામૂલ્યે અપાઇ રહ્યાં છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાજ્યના 3.40 કરોડ લોકોને વિનામૂલ્યે અન્નનો લાભ મળી રહ્યો છે. જ્યારે સમગ્ર દેશમાં 81 કરોડથી વધુ લોકોને આ લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે. ગરીબો માટે કલ્યાણકારી એવી આ યોજનામાં એક દેશ એક રેશનકાર્ડ યોજનાનું પણ અમલીકરણ શરુ કરી દેવાતાં દેશનો કોઇપણ લાભાર્થી તેના લાભથી વંચિત નહિ રહે, જે આ યોજનાનું જમા પાસુ બની રહેશે.
