ઓરી, રુબેલા અને નિયમિત રસીકરણ અંગે મિડિયા વર્કશોપનું આયોજન કરાયું
Live TV
-
મુંબઈ ખાતે ઓરી, રુબેલા અને નિયમિત રસીકરણ અંગે બે-દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશમાં છેલ્લાં કેટલાક સમયથી ઓરીના વધતાં કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર અને UNICEFના સંયુક્ત ઉપક્રમે મુંબઈ ખાતે ઓરી, રુબેલા અને નિયમિત રસીકરણ અંગે બે-દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા.
આ બે દિવસ દરમિયાન ઓરી અને રૂબેલા અંગે લોકોમાં કેવી રીતે જાગૃતિ આવી શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર ઉપરાંત બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, અને કેરળમાં પણ ઓરીના કેસ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં દેશમાં ઓરીના કેસની સંખ્યા 5,500 હતી. જે 2021માં 5,919 થઇ અને ચાલુ વર્ષમાં આ કેસની સંખ્યા વધીને 18,643 થઈ છે.
આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં રસીકરણના અધિક કમિશનર ડૉ. વીણા ધવને પોતાના સંબોધનમાં ઓરીના લક્ષણો, બિમારીથી બચવાના ઉપાયો અને તેના ઇલાજના વિવિધ પાસા વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓરી સૌથી વધુ ચેપી બિમારી છે પરંતુ, રસીકરણ દ્વારા આ બિમારીથી બચી શકાય છે. આ ઉપરાંત પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB) પશ્ચિમના મહાનિર્દેશક વત્સ શર્માએ પત્રકારોને ખોટી માહિતીથી ભ્રમિત ના થવાની અપીલ કરી હતી. ઉપરાંત વધુ માહિતી માટે PIBની વેબસાઈટ અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અનુસરવાની અપીલ કરી હતી.
