કાકરાપારમાં અણુ ઊર્જા મથકનો ત્રીજો પ્લાન્ટ કાર્યરત, PMએ પાઠવ્યા અભિનંદન
Live TV
-
700 મેગાવોટનો આ રિએક્ટર સંપૂર્ણ મેક ઈન ઈન્ડિયાનું ઉદાહરણ
કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ - 3એ ક્રિટીકાલિટી હાંસલ કરી છે. આ રિએક્ટર વિશ્વના સૌથી સલામત રિએક્ટરો પૈકીનું એક પ્રેશરાઈઝડ હેવી વોટર રિએક્ટર છે...સંપૂર્ણપણે સ્વદેશી બનાવટનું 700 મેગાવોટનું આ રિએક્ટર મેક ઇન ઇન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે...
કાકરાપાર પરમાણુ વિદ્યુત પરિયોજના એટલે કે KAPP-3માં 700 મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી, મોટી સિદ્વિ હાંસલ કરાઈ છે. દેશમાં સૌ પ્રથમવાર સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરી વિજળી ઉત્પન્ન કરાતા પ્રધાનમંત્રીએ કકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા...સાથે જ તેમણે કહ્યું કે, પાવર પ્લાન્ટ-3માં મહત્વનો મુકામ હાંસલ કરવો એ ખુબ મહત્વનું છે. તેમણે પ્લાન્ટના સામાન્ય પરિચાલન સ્થિતિમાં આવવા બદલ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, ઘરેલુ ડિઝાઈન પર આધારિત 700 મેગાવોટનું આ રિએક્ટર મેક ઈન ઈન્ડિયાનું ચમકતું ઉદાહરણ છે. તેમજ ભવિષ્યમાં આ પ્રકારની ઉપલબ્ધિઓ માટે આ માર્ગદર્શક રહેશે...
આ સિદ્ધિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતના કાકરાપારમાં આવેલો 700 મેગાવોટની ક્ષમતાવાળા આ એટોમિક પાવર પ્લાન્ટનું સામાન્ય પરિચાલન સ્થિતિમાં આવવું એ વાતનો સંકેત છે કે, આ પ્લાન્ટ ઉર્જા ઉત્પાદન માટે હવે તૈયાર છે. તે દેશનું એકમાત્ર સૌથી મોટું રિએક્ટર છે. આ સાથે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ આજના દિવસને મહત્વનો ગણાવ્યો હતો...વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા તેમણે કહ્યું કે, 700 મેગાવોટની ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટે મેક ઈન ઈન્ડિયાના સૂત્રને સાકાર કરી બતાવ્યું છે...
દેશમાં KAPP-3ની આ ઉપલબ્ધિ ખુબ મોટી ગણવામાં આવી રહી છે. કારણ કે કેએપીપી-3 પ્રથમ સ્વદેશી 700 મેગાવોટ ક્ષમતાનું પીએચડબ્લ્યુઆર છે. આ ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જીનીયર દ્વારા સ્વદેશી રૂપમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે. રિએક્ટર માટેના તમામ સાધનો અને ઉપકરણો ભારતીય ઉધોગો દ્વારા તૈયાર કરાયા છે. સ્વદેશ નિર્મિત 700 મેગાવોટ પીએચડબ્લ્યુઆરની વિશેષતામાં સ્ટીલ લાઈન્ડ ઈનર કન્ટેનમેન્ટ, પેસિવ ડીકે હીટ રિમુવઅલ સિસ્ટમ, કન્ટેનમેન્ટ સ્પે સિસ્ટમ, હાઈડ્રોજન વગેરેનું સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, રિએક્ટર કોરમાં ઈંધણ ભરવાનું કામ માર્ચ 2020ના મધ્યમાં પૂર્ણ કરાયું હતું..ત્યારબાદ કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરતા લોકડાઉન દરમિયાન પણ વિવિધ પરીક્ષણ અને પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ હતી..વિવિધ કાર્યોને NPCIL, પરમાણુ ઉર્જા વિભાગના ક્ષેત્ર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા સ્થાનિક અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરીના કારણે આ સિદ્વિ હાંસલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આગામી તબક્કામાં વિવિધ પ્રયોગ અને પરીક્ષણ કરાશે. અને વિજળી ઉત્પાદનના સ્તરને એકપછી એક વધારવામાં આવશે..ત્યારબાદ તેને પશ્ચિમી ગ્રીડ સાથે જોડી દેવાશે. કેએપીપી-3 દેશનું 23મો ન્યુક્લીયર વિદ્યુત રિએક્ટર છે.
KAPP-3ની શરૂઆત બાદ હવે KAPP-4 પણ જલદી શરૂ થવાની આશા છે. KAPP-3 માર્ક-4 ટાઈપ કેટેગરીના ઉપકરણ છે જે પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ ડિઝાઈનનો ઉત્તમ નમૂનો છે.
