કોઈપણ પ્રકારનો આતંકવાદ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો: અજીત ડોભાલ
Live TV
-
દિલ્હીમાં આજે શાંઘાઈ સહયોગ સંગઠનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનનું નામ લીધા વિના આતંકવાદ અંગે આકરા પ્રહારો કર્યા હતા. અજીત ડોભાલે જણાવ્યું કે, કોઈપણ પ્રકારનો આતંકવાદ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં પાકિસ્તાનના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.
SCOની બેઠકમાં અજિત ડોભાલે સ્પષ્ટ કહ્યું કે, આતંકવાદનો સામનો કરવા માટે તમામ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો પર ધ્યાન આપવું જોઈએ. ઉપરાંત આતંકવાદ વિરોધી પ્રોટોકોલ માટેની પોતાની જવાબદારીઓને પણ પૂર્ણ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, આતંકવાદના કોઈપણ કૃત્યને યોગ્ય ઠેરવી શકાય નહીં.
ડોભાલે વધુમાં જણાવ્યું કે, SCOની બેઠકમાં તમામ દેશો આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે મુકાબલો કરવા પ્રતિબદ્ધ છે. ભારત માટે તમામ દેશો સાથે કનેક્ટિવિટીએ મુખ્ય પ્રાથમિકતા છે. અમે રોકાણ કરવા અને કનેક્ટિવિટી વધારવા માટે દરેકને સહકાર આપવા તૈયાર છીએ. આ દરમિયાન તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
SCOમાં 8 દેશો સામેલ છે જેમાં ભારત, ચીન, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ ઉપરાંત સંસ્થામાં 4 નિરીક્ષક રાજ્યોમાં અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન, મંગોલિયાનો સમાવેશ થાય છે.